લખુબાપા તરીકે જાણીતા કચ્છી લેઉવા પટેલ સમાજ અને કચ્છના પનોતા પુત્ર શ્રી લક્ષ્મણભાઇ ભીમજીભાઇ રાઘવાણીનું ગત 21 સપ્ટેમ્બરે ગુરુવારે 94 વર્ષની વયે નિધન થતાં કચ્છી સમાજ અને સત્સંગી સમુદાયમાં શોકની લાગણી ફરી વળી હતી.
સ્વ. લખુબાપા તેમની સેવાકીય પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજમાં આદરનું પાત્ર બન્યા હતા. કચ્છ અને ગુજરાતથી દુર વસતા હોય કે નજીક હોય તેનું હિત સદૈવ તેમના હૃદયમાં વસતું હતું. સ્વ. લખુબાપાએ પોતાના જીવનમાં શૂન્યમાંથી સર્જન કર્યું હતું. પૂ. લખુબાપા માત્ર રૂ. 500ની મડી લઇને વર્ષો પૂર્વે પરદેશ જવા નીકળ્યા હતા. 500 રૂપિયા હાથમાં, 200 રૂપિયાની મુંબઇથી મોમ્બાસા આગબોટની ટિકિટ, હાથમાં ૩૦૦ રૂપિયા લઇ આવનારી વ્યક્તિ પોતાના કઠોર પરિશ્રમથી પ્રગતિ કરીને કેન્યા, સિસલ્સ અને કે બ્રિટનમાં બાંધકામ ક્ષેત્રે ટોચે પહોંચી ગઇ હતી. તેમણે નાણાં કમાઇને અટકી જવાને બદલે કરોડો રૂપિયાની સખાવત કરી હતી. પોતે સંઘર્ષ વેઠીને આગળ આવેલા એટલે પૂ. લખુબાપાના મનમાં હંમેશા નાના માણસનો ખ્યાલ હોય, ને છેવાડાના માણસની સ્થિતિ પણ સમજે. ભુજ મંદિરના સદ્દગુરુ શ્રીવલ્લભદાસજી સ્વામીએ લખુબાપાને આફ્રિકા જવા કહેલું અને થોડાં વર્ષોની નોકરી બાદ કંપની શરૂ કરવા આશીર્વાદ આપેલા. આ વાત લખુબાપા કહે ત્યારે સાધુતાની મૂર્તિ જેવા સંતોના અહોભાવે ગળગળા થઇ જતાં શ્રીહરિ સ્વામી સાથે પણ સવિશેષ સ્નેહ રહ્યો હતો.
લખુબાપાના ધંધાની પ્રગતિની ચાવીઓ ગણાવતાં એ ખુદ કહેતા, લાંચ લેવી-આપવી નહીં, સરકારી ટેક્સ ચોરવો નહીં, મજૂરોને ક્યારેય ઓછું વેતન આપવું નહીં, નક્કી કરેલું કામ સમયસર પૂરું કરી દેવું, નીતિ અને નિયત સાફ રાખવા, ધંધામાં ભાગીદારી (પાર્ટનરશિપ) કરવી નહીં. કેન્યાની ટોચની બાંધકામ કંપની સ્થાપી અજાતશત્રુ રહેવું એ બાપાના સદ્ગુણ હતા. નાઇરોબી મધ્યમાં ટેલિપોસ્ટા, ન્યાય હાઉસ, રીમતુલા ટ્રસ્ટ ટાવર, કેન ઇન્ડિયા હાઉસ, ડી.ટી. આઇ એન્ડ એમ બેંક, પ્રાઇમ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, વ્હાઇટ સેન્ડલ હોટલ, ઇસ્ટ આફ્રિકા સ્વામિનારાયણ મંદિર, ઇસ્કોન મંદિર, આગાખાન એકડેમી, સ્વાન શોપિંગ મોલ જેવા અનેક પ્રતિષ્ઠિત બાંધકામો લક્ષ્મણ બાપાની દેન છે.
સ્વ. લખુબાપા નર્મદા માટે ઝઝૂમ્યા હતા અને પાણીની ચિંતા કરી હતી. તેમણે ગાયોને નીરણ નાખ્યુ, મેડિકલ સેવાઓ માટે લક્ષ્મણ ભીમજી ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું હતું તો અન્ન ક્ષેત્ર પણ ખોલ્યું હતું.
સ્વ. લખુબાપાની ગુણનુવાદસભા તાજેતરમાં કચ્છના કેરાના બળદિયા ઉપલોવાસ લેવા પટેલ સમાજ ખાતે યોજાઇ હતી. તેમાં વિવિધ આગેવાનોએ શોક સંવેદના પ્રગટ કરતા કચ્છ જિલ્લાએ સાચા હિતચિંતક ગુમાવ્યાની લાગણી પ્રગટ કરી હતી. કચ્છ જળસંકટ નિવારણ સમિતિ સાથે રહેલા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ કહ્યું હતું કે ‘’બાપાએ પોતાની કોઠા સૂઝથી નર્મદા ગ્રેવિટી કેનાલ માટે કરેલા પ્રયત્નો સાચા હિતચિંતક હોવાની શાખ પૂરે છે.’’ ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ નીમાબેન આચાર્ય, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ સંમરણો તાજા કર્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહત – ધર્મનંદનદાસજી સ્વામીએ સાચો સત્સંગી ગુમાવ્યાની વાત કરી હતી.
લક્ષ્મણભાઈ રાઘવાણીના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના સભા યોજાઇ
શ્રી કચ્છ લેવા પટેલ સમુદાય યુકે અને શ્રી બળદિયા લેવા પટેલ સર્વોદલ (યુકે)ના અગ્રણી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણીના આત્માની શાંતિ અર્થે એક પ્રાર્થના સભાનું આયોજન શુક્રવાર 22 સપ્ટેમ્બર 2023ના રોજ સાંજે SKLPC (UK), ઇન્ડિયા ગાર્ડન્સ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં યુકેના વિવિધ અગ્રણીઓએ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.