જાણીતી અભિનેત્રી કંગના રનૌત સામે શિવસેનાની આઇટી પાંખે મહારાષ્ટ્રના થાણેમાં રાજદ્રોહનો કેસ નોંધાવ્યો છે. આ ફરિયાદમાં જણાવાયું તું કે મુંબઇ મહાનગરને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) જેવું ગણાવીને કંગનાએ રાજદ્રોહનેા ગુનો કર્યો હતો.
બીજી તરફ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને કંગના રનૌતની ઓફિસ સીલ કરી હતી. એ માટે એવો આક્ષેપ કર્યો હતો કે રિનેાવેશનના નિયમોનો ભંગ કરાયો હતો. કંગનાની ઓફિસના દરવાજે મુંબઇ મહાનગરપાલિકાએ કામ અટકાવો (સ્ટોપ વર્ક )ની નોટિસ ચોંટાડી હતી. કંગના મુંબઇ પહોંચે એ પહેલાં મુંબઇ મહાનગરપાલિકાના અધિકારીઓ કંગનાની ઓફિસે પહોંચી ગયા હતા અને બળજબરીથી ઓફિસમાં પ્રવેશીને એ કાયદેસરની છે કે કેમ એની તપાસ કરી હતી. કંગનાએ આ હકીકતની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી હતી અને આક્ષેપ કર્યો હતો કે હવે મુંબઇ મ્યુનિસિપાલિટી મારી ઑફિસને તોડી પાડવા માગે છે.
શિવસેનાના નેતા સંજય રાઉત સાથે કંગનાનું વાકયુદ્ધ ચાલુ છે. અગાઉ શિવસેનાના પ્રતાપ સરનાઇક નામના નેતાએ કંગના મુંબઇમાં આવે તો એનું માથું ભાંગી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ ધમકીની નોંધ લઇને રાષ્ટ્રીય મહિલા પંચે સરનાઇકની ધરપકડની માગણી કરી હતી. ટેન્શન વધી રહેલું જોતાં કેન્દ્રના ગૃહ ખાતાએ કંગનાને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા પૂરી પાડી. કંગનાએ જાહેરમાં શિવસેનાને પડકારી હતી કે હું નવમી સપ્ટેંબરે મુંબઇ પહોંચીશ. કોના બાપની તાકાત છે કે મને મુંબઇમાં પ્રવેશતી અટકાવે છે, હું પણ જોઉં છું.