અમેરિકાના ઓહાયોમાં હિંદુ વિદ્યાર્થીઓને દિવાળીની રજાઓ અને શૈક્ષણિક વર્ષ દરમિયાન અન્ય બે હિંદુ રજાઓ મળશે. ઇન્ડિયન અમેરિકન સેનેટર નિરજ અંતાણી દ્વારા સહ-પ્રાયોજિત બિલને અગાઉ સ્ટેટ લેજિસ્લેશનમાં મંજૂરી મળી હતી. આ બિલને હવે ઓહાયોના ગવર્નર માઈક ડીવાઈને પણ બહાલી આપી છે.

અંતાણીએ જણાવ્યું હતું કે આ કાયદાને પગલે 2025ના વર્ષથી ઓહાયોમાં દરેક હિંદુ વિદ્યાર્થી દિવાળીની રજા લઇ શકશે. આ ઓહાયોમાં હિન્દુઓ માટે અવિશ્વસનીય જીત છે. આની સાથે દરેક વિદ્યાર્થીને દિવાળીની રજા આપનારું ઓહાયો અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં હિન્દુ વિદ્યાર્થીઓને બીજી બે ધાર્મિક રજાઓ પણ મળશે. આનો અર્થ એવો થાય છે કે ગુજરાતી હિંદુ વિદ્યાર્થી નવરાત્રિ અથવા અન્નકુટ માટે એક દિવસની રજા લઈ શકે છે. એક BAPS ભક્ત પ્રમુખસ્વામી મહારાજ જયંતિ માટે રજા લઈ શકે છે. એક સ્વામિનારાયણ ભક્ત હરિ જયંતિ માટે રજા લઈ શકે છે. તેલુગુ હિંદુ વિદ્યાર્થી ઉગાડી માટે, તમિલ હિંદુ વિદ્યાર્થી પોંગલ અને બંગાળી હિંદુ વિદ્યાર્થી દુર્ગા પૂજા નિમિત્તે રજા લઈ શકે છે. પંજાબી હિંદુ વિદ્યાર્થી લોહરી અને એક ઇસ્કોન ભક્ત કૃષ્ણ જન્માષ્ટમીની રજા લઈ શકે છે

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર સમીર કાલરાએ જણાવ્યું હતું કે ઓહાયો દેશના બાકીના લોકો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ નકારાત્મક શૈક્ષણિક પરિણામોના ડર વિના સંપૂર્ણ રીતે તેમના ધર્મનું પાલન કરી શકે છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન આ મહત્ત્વની પહેલ માટે સેનેટર અંતાણી અને ઓહાયોના આંતરધર્મ સમુદાયને તેમના નેતૃત્વ માટે બિરદાવે છે.હિંદુએક્શનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ઉત્સવ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ પ્રયાસ રાજ્યભરના લગભગ 120,000 હિંદુઓને તેમના પરિવારો સાથે તેમની પ્રિય પરંપરાઓની ઉજવવણી કરવા અને સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ બનશે.

LEAVE A REPLY