ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ ૨૬ ડિસેમ્બરે મેલબોર્નમાં રમાશે. બોક્સિન-ડે ટેસ્ટ મેચના એક દિવસ પહેલાં શુક્રવારે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી હતી. આ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે.
બીજી ટેસ્ટમાં યુવા બેસ્ટમેન શુભમન ગિલને ટેસ્ટ ડેબ્યુનો મોકો મળ્યો છે. શુભમન ગિલને પૃથ્વી શૉની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, કે એલ રાહુલને શાનદાર ફોર્મમાં હોવા છતાં મેલબોર્ન ટેસ્ટથી દૂર રાખવામાં આવ્યો છે.
મેલબોર્ન ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. શુભમન ગિલ, પૃથ્વી શૉની જગ્યાએ મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરશે. વિકેટકીપર બેસ્ટમેન તરીકે ઋષભ પંતને સામેલ કરાયો છે.
ઇજાગ્રસ્ટ મોહમ્મદ શમીને જગ્યાએ બોલર મોહમ્મદ સિરાઝને ડેબ્યૂનો મોકો મળ્યો છે. વિરાટ કોહલીની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાયો છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ત્રીજી વખત ટેસ્ટ ટીમની કમાન અજિંક્ય રહાણે સંભાળશે.
પ્લેઇંગ ઇલેવનમાં અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝનો સમાવેશ થાય છે.