ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના દેશની ચલણી નોટોમાંથી બ્રિટિશ રાજાશાહીના પ્રતીકને દૂર કરવાનો નિર્ણય કર્યો છે. દેશની સેન્ટ્રલ બેંકે તાજેતરમાં જાહેરાત કરી હતી કે પાંચ ડોલરની નવી નોટમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયની તસવીરને બદલે દેશની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી ‘ડિઝાઇન’ હશે. જોકે, કિંગ ચાર્લ્સની તસવીર ચલણી સિક્કાઓ પર જોવા મળે તેવી સંભાવના છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં માત્ર પાંચ ડોલરની ચલણી નોટ પર જ બ્રિટિશ રાજવી પરિવારની તસવીર જોવા મળે છે. બેંકે જણાવ્યું છે કે સરકાર સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લેવાયો છે.
બ્રિટિશ રાજાને હજુ પણ ઓસ્ટ્રેલિયાના રાજ્યના વડા માનવામાં આવે છે, જોકે તેમની ભૂમિકા હવે મોટાભાગે પ્રતીકાત્મક છે. રીઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે, નવી પાંચ ડોલરની નોટ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પોટ્રેટને અલગ ડિઝાઈન સાથે બદલશે. રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગત વર્ષે નિધન થયું હતું. બેંકે કહ્યું કે, આ પગલું “સ્વદેશી ઓસ્ટ્રેલિયાવાસીઓની સંસ્કૃતિ અને ઇતિહાસ” પ્રત્યે સન્માન દર્શાવશે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “5 ડોલરની નોટની પાછળની બાજુએ અગાઉની જેમ જ ઓસ્ટ્રેલિયન સંસદની તસવીર હશે.” ટ્રેઝરર જિમ ચેલમર્સે જણાવ્યું હતું કે, આ પરિવર્તન એક સારા સંતુલનના નિર્માણની તક છે. તેમણે મેલબોર્નમાં મીડિયાને જણાવ્યું હતું કે, “સિક્કા પર રાજાશાહીનું પ્રતીક રહેશે, પરંતુ પાંચ ડોલરની નોટ આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણા દેશને પ્રતિબિંબિત કરશે. હું માનું છું કે તે એક સરસ પગલું છે.”