ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ કોરોના વાઇરસની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની કામગીરીને સ્વૈચ્છિક રીતે અટકાવી દીધી છે. ક્લિનિકલ ટ્રાયલમાં સામેલ થયેલા એક સ્વયંસેવકને અણધારી બિમારી થતા આ નિર્ણય કરવામાં આવ્યો છે, એમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું.
એસ્ટ્રાઝેનેકા યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડના સહયોગમાં આ વેક્સીન વિકસાવી રહી છે અને તે કોવિડ-19 વેક્સીન માટેની વૈશ્વિક સ્પર્ધામાં મોખરાના સ્થાને છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ કોરોનાવાઇરસ વેક્સીનના નિયંત્રિત વૈશ્વિક ટ્રાયલના ભાગરૂપે અમારી સ્ટાન્ડર્ડ સમીક્ષા પ્રક્રિયા કરવામાં આવી છે તથા સ્વતંત્ર સમિતિ દ્વારા સુરક્ષાના ડેટાની સમીક્ષા થઈ શકે તે માટે અમે સ્વૈચ્છિક રીતે ટ્રાયલની કામગીરી અટકાવી દીધી છે. આ એક રૂટિન પ્રોસેસ છે. એક પરીક્ષણમાં અણધારી બિમારીને કારણે આવું કરવામાં આવ્યું છે. તેની તપાસ ચાલે છે અને અમે ક્લિનિકલ ટ્રાયલની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માગીએ છીએ.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે મોટા પાયે પરીક્ષણ કામગીરી ચાલતી હોય ત્યારે કોઇ કિસ્સામાં બિમારી આવી શકે છે, પરંતુ તેની સ્વતંત્ર તપાસ થવી જોઇએ. ટ્રાયલની સમયમર્યાદાને અસર ન થાય તે માટે અમે આ એક ઘટનાની સમીક્ષાને ઝડપી બનાવવાની કામગીરી કરી રહ્યા છીએ.
બિમારી થઈ છે તે દર્દી ક્યા છે અને બિમારી કેવા પ્રકારની છે તેની માહિતી હજુ ઉપલબ્ધ થઈ નથી. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આવો વિરામ એક સામાન્ય ઘટના ગણાય છે, પરંતુ કોવિડ-19ની વેક્સીન ટ્રાયલમાં આવું પ્રથમ વખત બન્યું છે.
એસ્ટ્રાઝેનેકા સહિતની નવ કંપનીઓ હાલમાં વેક્સીના ત્રીજા તબક્કાના પરીક્ષણો કરી રહી છે. અમેરિકામાં કંપનીએ 31 ઓગસ્ટે વિવિધ સ્થળોથી આશરે 30,000 સ્વયંસેવકોની યાદી તૈયાર કરી હતી.