ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલી કોવિડ-19 રસીએ કોરોનાવાયરસના યુકેના વેરિયન્ટ સામે અસરકારકતા દર્શાવી છે. જો કે ટ્રાયલના પ્રારંભિક ડેટાના આધારે આ રસી દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા અત્યંત ટ્રાન્સમિસિબલ કોરોનાવાયરસ વેરીયન્ટ દ્વારા થતાં હળવા રોગ સામે મર્યાદિત રક્ષણ આપે છે.

બીજી તરફ ન્યુ યોર્ક યુનિવર્સિટીના રીસર્ચર્સના અભ્યાસમાં જણાયું છે કે ફાઇઝરની રસી દક્ષિણ આફ્રિકન વેરિયેન્ટ સામે અસરકારક હોવાનું અને તે જેમને અગાઉ વાયરસનો ચેપ લાગી ગયો છે તેમની પણ સુરક્ષા વધારે છે. ફાઇઝર રસી મેળવનાર લોકોનું લોહી કોરોનાવાયરસને નિષ્ક્રિય કરવા માટે સક્ષમ છે. વળી આ રસી વાયરસના જુદા જુદા વેરિયન્ટ સામે રક્ષણ આપવા માટે બધી રસીઓમાં શ્રેષ્ઠ છે. જોકે તેનું પરિવર્તન ‘કેટલાક લોકોને ઓછા પ્રમાણમાં સુરક્ષિત રાખી શકે છે’.

ફાઇઝર રસી દ્વારા બનેલા રોગપ્રતિકારક એન્ટિબોડીઝ હજી પણ કોરોનાવાયરસનો નાશ કરવામાં સક્ષમ છે, પરંતુ માનવ શરીરે તે મોટી માત્રામાં બનાવ્યા નથી. જો કે રસી ધરાવતા મોટાભાગના લોકોમાં કોવિડ-19ને રોકવા માટે પૂરતી શક્તિ હશે. આ અભ્યાસમાં દાવો કરાયો હતો કે ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી માત્ર વેરિયન્ટના હળવા કેસો સામે ‘ન્યૂનતમ સુરક્ષા’ આપે છે.

મૂળ રસીને નબળા બનાવતા પરિવર્તનનો સામનો કરવા માટે મોડર્નાએ તેની રસીનું અપડેટેડ સંસ્કરણ બનાવવાનું પહેલેથી જ નક્કી કર્યું છે. ફાઇઝર અને બાયોએનટેક પણ તેમની રસી કેવી રીતે સુધારી શકાય તે માટે કાર્યરત હોવાનું સમજાય છે.

વેક્સીનેશન મિનીસ્ટર નધિમ ઝહાવીએ બ્રિટિશ રસી ઉપર વિશ્વાસ રાખવા વિનંતી કરતાં જણાવ્યું છે કે ‘’આપણી રસી હોસ્પિટલમાં પ્રવેશ અને મૃત્યુને રોકી શકે છે. આ રસી ગંભીર રોગ અટકાવવાનું જીવંત મહત્વપૂર્ણ પરિબળ છે. એવા કોઈ પુરાવા નથી તે ગંભીર રોગને અવરોધશે નહીં.’’

પેડિયાટ્રિક ઇન્ફેક્શન એન્ડ ઇમ્યુનિટીના પ્રોફેસર અને ઑક્સફર્ડ વેક્સીન ટ્રાયલના ચિફ ઇન્વેસ્ટીગેટર એન્ડ્રુ પોલાર્ડે જણાવ્યું હતું કે ‘’ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંશોધન દરમિયાન ઓક્સફર્ડની રસી કોવિડ રોગના નવા નીકળેલા ઓછામાં ઓછા નવા પ્રકારોમાંથી એક B.1.1.7 સામે અસરકારક છે, જેને કેન્ટ સ્ટ્રેઇન પણ કહેવાય છે.’’

ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં જણાવાયું હતું કે દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટવેટર્સ્રેન્ડ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીનું સંશોધન બતાવે છે કે ઓક્સફર્ડની રસીએ પરિવર્તન સામેની અસરકારકતામાં ઘટાડો કર્યો છે.

કહેવાતા બ્રિટીશ, દક્ષિણ આફ્રિકન અને બ્રાઝિલના વિવિધ વેરિયન્ટ અન્ય પ્રકારો કરતા વધુ ઝડપથી ફેલાય છે. આ માટે નાના તબક્કાના પહેલા અને બીજા ટ્રાયલમાં 2,000 લોકો પર તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા અથવા તેમનું મૃત્યુ થયું ન હતું.

એસ્ટ્રાઝેનેકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ આ નવા વેરિયન્ટ સામે રસી બનાવવાનું શરૂ કર્યું છે અને ક્લિનિકલ ડેવલપમેન્ટ દ્વારા ઝડપથી તેમાં આગળ વધશે જેથી ઓટમ વખતે ડિલિવરી માટે તૈયાર કરી શકાય.”

કંપનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ રસી કોવિડના ગંભીર કેસો સામે રક્ષણ આપશે, કારણ કે તે અન્ય રસીની જેમ જ શરીરના એન્ટિબોડીઝને મજબૂત બનાવે છે.

વેકેસિનોલોજીના પ્રોફેસર અને ઓક્સફર્ડ વેક્સીન ટ્રાયલના ચિફ ઇન્વેસ્ટીગેટર સારાહ ગિલ્બર્ટે જણાવ્યું હતું કે “બધા વાયરસ સમય જતાં પરિવર્તન લાવે છે. ઈન્ફલ્યુએન્ઝા રસીના નિર્માણ માટે વર્લ્ડવાઇડ વાયરલ સર્વેલન્સની જાણીતી પ્રક્રિયા છે, અને રસીઓના વાર્ષિક અપડેટ માટે સ્ટ્રેઇનની પસંદગી કરવામાં આવે છે. પરંતુ કોવિડ વાયરસમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ કરતા પરિવર્તનનું જોખમ ઓછું છે. હંમેશાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોગચાળો ચાલુ રહે ત્યાં સુધી ફેલાતા વાયરસમાં નવા પ્રકારો પ્રબળ બનવા માંડે છે અને છેવટે, રસીની નવી આવૃત્તિ, એક અપડેટેડ સ્પાઇક પ્રોટીન સાથે બહાર પડે છે. અમે એસ્ટ્રાઝેનેકા સાથે સ્ટ્રેઇનના પરિવર્તન માટે જરૂરી પાઈપલાઈનને ઑપ્ટિમાઇઝ કરવા માટે કામ કરી રહ્યા છીએ. બીજા વેક્સીન ડેવલપર્સને પણ આ જ બાબતનો સામનો કરવો પડી રહ્યો છે.”