એસેક્સના બિકનેકરમાં સાઉથ વુડહમ ફેરર્સ તરફ કારમાં જઇ રહેલા 18 વર્ષીય શ્રેય પટેલની ફોર્ડ ફિયેસ્ટા સિલ્વર કાર સામેથી આવતી બ્લુ વોક્સોલ કોરસા કાર સાથે ટકરાતા શ્રેય પટેલનું નિધન થયું હતું. તા. 7 એપ્રિલના રોજ સાંજે 5 કલાકે અકસ્માતમાં મરણ પામેલા શ્રેય પટેલનું નામ મોડેથી જાહેર થયું હતું.
બનાવ વખતે ઇમરજન્સી સર્વિસીસના લોકો ઘટના સ્થળે ધસી ગયા હતા અને શ્રેય પટેલને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પેરામેડિક્સ અને ડોકટરોના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં શ્રેયનું બે દિવસ પછી 9 એપ્રિલના રોજ રોયલ લંડન હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન 9 એપ્રિલે નિધન થયું હતું. સામેથી આવતી કારના 80ના દાયકાના વૃધ્ધ ડ્રાઇવરને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમની હાલત સારી હોવાનું જણાવાય છે.
આ મહિનાની શરૂઆતમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 18 વર્ષીય શ્રેય પટેલને શ્રદ્ધાંજલિ આપતાં તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે ‘’એક પ્રિય પુત્ર, ભાઈ, પૌત્ર, પિતરાઇ, ભત્રીજો, અને જે લોકો તેને ઓળખતા હતા તેમનો વફાદાર મિત્ર હતો. અમારો સુંદર પુત્ર જન્મ્યો તે દિવસથી તેણે અમારા હૃદયને પ્રેમ અને હાસ્યથી ભરી દીધાં હતાં. તારા સ્મિત અને હાજરીએ તને જાણતા અને પ્રેમ કરનારા દરેકના જીવનને પ્રકાશમાન કર્યું હતું. તને ખૂબ જલ્દીથી અમારી પાસેથી લઇ લેવામાં આવ્યો હતો, પરંતુ અમારા હૃદયમાં તું કાયમ માટે જીવંત રહીશ. શ્રેય તું સતત ઉંચો ઉડતો રહે અને અમારા પર સદાય ચમકતો રહેજે.”
શ્રેય પટેલના નિધન અંગેનું ઇન્કવેસ્ટ 23 એપ્રિલના રોજ ચેમ્સફર્ડની એસેક્સ કોરોનર્સ કોર્ટમાં થયું હતું. કોર્ટમાં જણાવાયું હતું કે ‘અજ્ઞાત કારણોસર શ્રેય પટેલ રસ્તાની રોંગ સાઇડે વાહન હંકારી ગયા હતા અને સામેથી વતી વક્સૉલ કોરસા સાથે તેમની કાર ટકરાઇ હતી.
રોયલ લંડન હોસ્પિટલના તબીબ ડૉ. બાલીએ હાઈપોક્સિક મગજની ઈજા અને અન્ય ઇજાના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ન હતુ.
એસેક્સ પોલીસ હાલમાં અકસ્માતની તપાસ કરી રહી છે, જોકે કોર્ટ કાર્યવાહીની કોઈ બાબત નથી. શ્રી પટેલનું સંપૂર્ણ ઇન્કવેસ્ટ 14 સપ્ટેમ્બર 2021ના રોજ મુલતવી રાખવામાં આવ્યુ છે.
શ્રેય ફર્સ્ટ વૂડહમ ફેરર સ્કાઉટ જૂથનો સભ્ય હતો અને તેના દાદાનું નામ રમેશભાઈ પટેલ અના દાદીનું નામ જ્યોતિકા પટેલ હોવાનું જાણવા મળ્યું છે. શ્રેયના નિધનથી તેના કુટુંબ, મિત્રો અને સ્નેહીજનોને આકરો આઘાત લાગ્યો છે.