વિશ્વના સૌથી ચર્ચાસ્પદ અને ધનવાન બિઝનેસમેન એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર)ને તેની બીજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI ને વેચી દીધી છે. આ એક ઓલ-સ્ટોક ડીલ છે, જે 33 બિલિયન ડોલરમાં થઈ છે. મસ્કે આ અંગે X પર જાહેરાત કરી હતી. મસ્કે તેમાં જણાવ્યું હતું કે, “xAI અને X નું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે”. આજે આપણે ઓફિશિયલી ડેટા, મોડેલ, કેપ્યુટ, વિગતો અને ટેલેન્ટને એક સાથે જોડી રહ્યા છીએ. આ બંનેનો સહયોગ xAIની એડવાન્સ AI ક્ષમતા અને કુશળતાને એકસની વ્યાપક પહોંચ સાથે સાંકળીને ભવિષ્યની સંભાવના માટે કામ કરશે. મસ્કે 2022માં ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. આ પછી, તેણે તે પ્લેટફોર્મનું નામ બદલીને એક્સ કરવા સહિત અન્ય ઘણા ફેરફારો કર્યા હતા. 27 ઓક્ટોબર, 2022ના રોજ ટ્વિટર ખરીદ્યા પછી, મસ્કે પ્રથમ કંપનીના ચાર ઉચ્ચ અધિકારીઓની હકાલપટ્ટી કરી હતી. જેમાં CEO પરાગ અગ્રવાલ, નાણાકીય બાબતોના વડા નેડ સેગલ, લીગલ એક્ઝિક્યુટિવ વિજયા ગડ્ડે અને સીન એડગેટનો સમાવેશ થાય છે. જ્યારે મસ્કએ એક્સનું સંચાલન સંભાળ્યું ત્યારે તેમાં 7500 જેટલા કર્મચારીઓ હતા, પરંતુ અત્યારે તેમાં માત્ર 2500 કર્મચારીઓ જ કાર્યરત છે.
