વેબ સિરિઝ તાંડવના ધાર્મિક લાગણી દુભાવતા દ્રશ્યોને લઈને જાગેલા વિવાદમાં એમેઝોન પ્રાઈમ વિડિયોના વડા અપર્ણા પુરોહિતને ધરપકડ સામે રાહત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે સોસિયલ મીડિયા અને ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ માટે સરકારના નિયમોમાં કોઇ ધાર નથી અને તેમાં કાર્યવાહી કરવાની કોઇ સત્તા નથી.
તાંડવ વેબ સિરિઝ સામે લખનૌમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ અપર્ણા પુરોહિતે ધરપકડ સામે સ્ટે લગાવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના કારણે હવે એમેઝોન પ્રાઈમના અધિકારીની ધરપકડ સામે મનાઇહુકમ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાંડવ વેબ સિરિઝમાં ભગવાન રામ અને ભગવાન શિવની મજાક ઉડાવતા દ્રશ્યોને સામેલ કર્યા બાદ લોકોમાં રોષ ભડકી ઉઠ્યો હતો.
દરમિયાન કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ માટે જે નિયમો બનાવ્યા છે તેના પર પણ સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે આ નિયમોમાં દંડ ફટકારવાના કે કેસ ચલાવવા જેવી જોગવાઈઓ છે નહી. કોઈ યોગ્ય કાયદો બનાવ્યા વગર ઓટીટી પ્લેટફોર્મ પરની સામગ્રીનુ નિયંત્રણ કરવુ મુશ્કેલ છે. કોર્ટની ટિપ્પણીના જવાબમાં સરકાર તરફથી ખાતરી આપવામાં આવી હતી કે, સૂચિત કાયદાને બે સપ્તાહમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.