યુકેના ચાન્સેલર ઋષિ સુનક પોતાની નિમણુંક થયાના માત્ર બે અઠવાડિયાના સમયગાળામાં જ પોતાના પ્રથમ બજેટની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે અને તેઓ 11 માર્ચે સંસદમાં બજેટ રજૂ કરશે. બોરીસ જ્હોન્સનની આગેવાની હેઠળની સરકાર દ્વારા માળખાગત પ્રોજેક્ટ્સ પર લગભગ 70 બીલીયન પાઉન્ડ ખર્ચ થવાની અપેક્ષા છે.
‘ધ સન્ડે ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર જ્હોન્સનને જોરદાર બહુમતી અપાવનાર નોર્થ ઇંગ્લેન્ડના વિસ્તારોમા મોટા પાયા પર રોકાણ કરવાના ચૂંટણી ઢંઢેરાના વાયદાઓને આ બજેટમાં પૂરા કરવામાં આવે તેવી વ્યાપક શક્યતાઓ છે. સુનક પોતે નોર્થ યોર્કશાયરના રિચમંડના સાંસદ છે અને યુકેના ટ્રેઝરી વિભાગની 1,500 જેટલી લંડન સ્થિત પોસ્ટ્સને નોર્થમાં ખસેડવાની યોજના ધરાવે છે.
આ ક્ષેત્રમાં માળખાગત પ્રોજેક્ટ્સ અને ધંધાની અન્ય જરૂરિયાતો માટે બીલીયન્સ પાઉન્ડ ફાળવવામાં આવશે અને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં વેલી ટીસ વેલીમાં નવા હબનું આયોજન કરવાનુ લક્ષ્ય છે જે 2021માં શરૂ થવાની સંભાવના છે. ચાન્સેલર આર્થિક નિર્ણય રાજધાનીથી દૂર અન્ય પ્રદેશમાં ખસેડવા માંગે છે અને નોર્થ ઇંગ્લેન્ડમાં નવું આર્થિક નિર્ણય લેતુ કેમ્પસ સ્થાપશે જે સૌને તક આપશે અને સમૃદ્ધિ લાવવામાં મદદરૂપ બનશે.
ટ્રેઝરીના ચિફ સેક્રેટરી હતા ત્યારે સુનકે રેડકાર પાસે સાઉથ ટીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી 71 મિલિયન પાઉન્ડના ખર્ચે તેનો પુનર્વિકાસ કરવાની યોજના જાહેર કરી હતી.