મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રાના કલાનગર સ્થિત નિવાસસ્થાન ‘માતોશ્રી’ને ઉડાવી દેવાના ધમકીભર્યા ફોન કોલ્સને પગલે સુરક્ષાવ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના સાગરીતને નામે કૉલ્સ કરનારા શખસે તે દુબઈથી બોલી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ માતોશ્રીના લૅન્ડલાઈન નંબર પર રવિવારે ત્રણથી ચાર કૉલ્સ આવ્યા હતા. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ દાઉદના સાગરીત તરીકે આપી હતી. સામાન્ય સંજોગોમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોય છે, પરંતુ માતોશ્રી ઉડાવી દેવાની ધમકી બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
ધમકીભર્યા કૉલ્સની જાણ પોલીસને કરવામાં આવી હોઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. અમુક વાર આવા કૉલ્સ માત્ર ગભરાટ ફેલાવવા કરવામાં આવતા હોય છે. તેમ છતાં અમે તેને હળવાશથી લેવા માગતા નથી, એવું એક અધિકારીનું કહેવું છે.