વિખ્યાત સાપ્તાહિક ગરવી ગુજરાતના પ્રકાશક એશિયન મીડિયા ગ્રુપ દ્વારા એશિયન સમુદાયના રાજકીય અવાજને વિસ્તૃત કરવા અને રાજકીય પ્રક્રિયામાં એશિયન સમુદાયની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા માટે ‘ઈસ્ટર્ન આઈ ઇલેક્શન ડીબેટ’નું આયોજન તા. 1 જુલાઇના રોજ સેન્ટ્રલ લંડનના સેન્ટ જેમ્સ સ્થિત 55 બ્રોડવે ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના લંડન એસેમ્બલીના અધ્યક્ષ એન્ડ્રુ બોફ, એએમ; લેબર પાર્ટીના શેડો સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર વિમેન એન્ડ ઇક્વાલીટીઝ એનેલિસ ડોડ્સ તથા હાઉસ ઓફ લોર્ડ્સના લિબરલ ડેમોક્રેટ્સના નેતા લોર્ડ રિચાર્ડ ન્યુબી ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પક્ષ વતી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમીંગ કરાયું હતું જેનો એશિયન સમુદાયના લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.

એશિયન મીડિયા ગૃપ દ્વારા યોજાયેલ આ ડીબેટમાં એશિયન સમુદાય માટે સંબંધિત ક્ષેત્રોને સંલગ્ન મુખ્ય મુદ્દાઓને સંબોધિત કરાયા હતા. દરેક નેતાને પોતાના પક્ષની રજૂઆત માટે બે મિનિટ ફાળવ્યા બાદ આમંત્રિત શ્રોતાઓને પ્રશ્નોની તક પૂરી પાડવામાં આવી હતી. ચર્ચાનું સુકાન એશિયન મીડિયા ગ્રુપના એડીટર એટ લાર્જ બાર્ની ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તો કાર્યક્રમનો પ્રારંભ ઇસ્ટર્ન આઇને એસોસિએટ એડિટર રીથીકા સિધ્ધાર્થે સૌના સ્વાગત સાથે કરી કાર્યક્રમની પૂર્વભૂમિકા રજૂ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે 55 બ્રોડવેના માલિક, અગ્રણી બિઝનેસમેન અને એશિયન ચેમ્બર ઓફ કોર્મસના ચેરમેન ટોની મથારૂએ જણાવ્યું હતું કે ‘’આપ સૌ આજે જ્યાં ઉપસ્થિત છો તે 55 બ્રોડવે બિલ્ડીંગ ખૂબ જ અદભૂત આર્કીટેક્ચર ધરાવતું બિલ્ડીંગ છે જ્યાં અમે 522 કરતા વધુ રૂમની ફાઇવ સ્ટાર હોટેલ બનાવી રહ્યા છીએ. આજના યુગમાં ઇન્ફોર્મેશન ખૂબ જ અગત્યની છે અને તે સારા જ્ઞાન સુધી અને છેવટે તે સારી સમજ અને નિર્ણય સુધી દોરી જાય છે. આ દેશમાં ઇમિગ્રન્ટ ફેમિલીઝનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.’’

લેબર પક્ષના પ્રતિનિધિ એનેલિસ ડોડ્સે કહ્યું હતું કે ‘’આ કાર્યક્રમના આયોજન માટે AMGનો આભાર. 3 દિવસ પછી ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે આપણા દેશમાં બદલાવ માટે ઘણી તકો છે. હું ઘણા લોકોને મળી છું અને બિઝનેસીસ, એશિયન લોકોને અને બાળકોને ઘણી મહત્વાકાંક્ષાઓ છે જેને મેચ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અમે બિઝનેસ રેટ્સ, લોકલ ઇકોનોમી, પબ્લિક સર્વિસીસ, શાળાઓ માટે વધુ શિક્ષકો, સમાનતા સહિતના કેટલાક આયોજનો કર્યા છે. જેના માટે આજે ચર્ચા કરવા ઉપસ્થિત છું. ’’

ચૂંટણી પહેલા જ હાર કબૂલી ચૂક્યા હોય તેમ ટોરી નેતા એન્ડ્રુ બોફ, એએમએ જણાવ્યું હતું કે ‘’શુક્રવારે સવારે કોન્ઝર્વેટિવની સરકાર હોય એમ માનવા માટે મારી પાસે કોઇ કારણ નથી. ડેમોક્રસી માટે એક સારો ક્રેડીબલ વિપક્ષ હોય તે જરૂરી છે. પરંતુ લેબર અને લીબ ડેમ દ્વારા જે ટેક્ટીકલ વોટીંગ ગેમ રમવામાં આવે છે તે જોખમી છે. કોઇ લેબર સરકારે રોજગારીમાં વધારો કર્યો નથી, ટેક્સમાં ઘટાડો કર્યો નથી. આ દેશમાં આવતો ઇમિગ્રન્ટ સમાજ પોતાના પરિવાર માટે કમાવા આ દેશમાં આવેલ છે. પરંતુ લેબર અમીરો પાસેથી નહિં પણ મારા તમારા જેવા મધ્યમ વર્ગના લોકો પાસેથી ટેક્સ કમાવા માંગે છે.’’

લિબ ડેમ નેતા લોર્ડ રિચાર્ડ ન્યુબીએ પોતાના પક્ષના પાંચ સિધ્ધાંતોની વાત કરતા કહ્યું હતું કે ‘’આ વખતની ચૂંટણીમાં લોકો બદલાવ લાવવા માંગે છે. આ માટે અમે પાંચ સિધ્ધાંતો પર કામ કરનાર છે. જેમાં બ્રોકન ઇકોનોમી, એપ્રેન્ટિસશીપ, NHS અને સોસ્યલ કેર સહિતની બ્રોકન પબ્લિક સર્વિસ, બ્રોકન એન્વાયર્નમેન્ટ, બ્રોકન પોલિટીક્સના ક્ષેત્રે બદલાવ લાવીને એક સામાન્ય માણસ શાંતિથી જીવી શકે તેવો સૌ માટે સમાન હોય તેવો સમાજ બનાવવા માંગીએ છીએ.’’

વડા પ્રધાન શ્રી ઋષિ સુનક બાબતે પ્રશ્નનો ઉત્તર આપતાં એન્ડ્રુ બોફે કહ્યું હતું કે ‘’સુનક રીમાર્કેબલ નેતા છે અને તેમણે લીઝ ટ્રસના ટેક્સ સુધારાને પારખીને દેશને બચાવ્યો હતો. તેમણા સત્તા પર આવીને જે પ્લાન મૂક્યા હતા તે કામ આવી રહ્યા છે. ફુગાવો ઘટ્યો છે, અર્થતંત્ર સુધર્યું છે.’’

એનેલિસે જણાવ્યુ હતું કે ‘’ટોરી મેનિફેસ્ટોમાં જોશો તો ઘણાં કમિટમેન્ટ છે પણ ખબર નહિં તે કઇ રીતે પૂરા કરશે. પણ લેબર પાસે પ્લાન ફોર ગ્રોથ છે. ટેક્સેશન માટે આયોજન છે. ખરેખર તેની જરૂર છે.’’

રીચર્ડે કહ્યું હતું કે ‘’સુનક ફ્રેશર છે, ડિસન્ટ છે અને તેમના પર રિફોર્મના નેતા દ્વારા જે ભાષા વાપરવામાં આવી તે ખરાબ છે. પણ તેઓ વડા પ્રધાન બન્યા પછી ખાસ બદલાવ આવ્યો નથી. ટોરી હાલમાં નેગેટીવ કેમ્પેઇન ચલાવે છે. જેની સામે દેશ હકારાત્મરતા માંગે છે.’’

ટેક્સેસન બાબતે એનેલિસ ડોડ્સે કહ્યું હતું કે ‘’બધા લોકો ચાહે છે કે ટેક્સમાં વધારો થવો જોઇએ નહિં, પણ ઉદ્યોગ સાહસિક લોકોને ટોરી સરકાર પાસેથી કોઇ સ્ટેબીલીટી મળી નથી. તો તેમના પ્રત્યુત્તરમાં એન્ડ્રુએ જણાવ્યું હતું કે ટોરી સરકાર ટેક્સ ધટાડ્યા છે અને નેશનલ ઇન્સ્યુરંશને દૂર કર્યો છે. લેબર સૌ કોઇ પર ટેક્સ વધારવા માંગે છે. તો લિબ ડેમ નેતા રિચર્ડે કહ્યું હતું કે હાલમાં નાના બિઝનેસીસને ખૂબ જ તકલીફ પડી રહી છે. પબ્લિક સર્વિસની હાલત ખરાબ છે.’’

ફૂડ એન્ડ ડ્રિન્ક ઇન્ડસ્ટ્રીની દયનીય હાલત વિષે ગેરીના પ્રશ્નનો ઉત્તર આપતાં રીચર્ડે જણાવ્યું હતું કે ‘’આ માટે ફાર્મિંગ પોલીસી બનાવવી પડશે, ખર્ચા ઉંચા ગયા છે અને સરકાર તરફથી ખેડૂતોને કોઇ ટેકો મળતો નથી.’’ તો એન્ડ્રુએ કહ્યું હતું કે ‘’હાલમાં કન્ઝ્યુમરના ખીસ્સામાં પૈસા છે. પણ લંડનની નાઇટ લાઇફની જે હાલત કરવામાં આવી છે તે જોતાં તમે કસ્ટમર વગર કશું કરી શકો નહિં.’’ એનેલિસ ડોડ્સે કહ્યું હતું કે ‘ફૂડ એન્ડ ડ્રિંક્સ સેક્ટરને ભૂલી જવાયું હતું પણ અમારી સરકાર તમારી સાથે ભાગીદારી કરીને કામ કરશે. થેરેસા મેની યોજનાઓને હાલની નેતાગીરીએ અભરાઇ પર ચઢાવી દીધી હતી.’’

ફાર્માસી ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રિતમે ખાનગી શાળાઓની ફી પર લેબરના ટેક્સ બાબતે કરેલા પ્રશ્નના જવાબમાં એનેલિસે કહ્યું હતું કે ‘’છેલ્લા 20 વર્ષોમાં ફીનું ધોરણ ઉંચે ગયું છે. પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ધટાડો થયો નથી. પણ બીજી તરફ 93 ટકા લોકો સરકારી શાળામાં ભણે છે અને તેમને માટે શિક્ષકો નથી. તેથી અમે 6,000 શિક્ષકોની ભરતી કરનાર છીએ.’’

વધી રહેલા ઇમિગ્રેશન બાબતે એન્ડ્રુએ કહ્યું હતું કે ‘ઇમિગ્રેશનના કારણે દેશને બહુ મોટો ફાયદો થયો છે અને તેણે લંડનની ડાયવર્સીટી અને લંડનને મજબૂત બનાવ્યા છે. પ્લેનેટ પરનું સૌથી મોટી ડાઇવર્સ શહેર લંડન છે. આપણે ઇમિગ્રન્ટના મુલ્યને સમજવું પડશે. ટોરી પોઇન્ટ બેઝ્ડ સીસ્ટમ લાવનાર પક્ષ છે.’’

એનેલિસે જણાવ્યું હતું કે ‘’અમે ઇમિગ્રેશન પર પુરાવાના આધારે કાર્ય કરીશું. તાજેતરના વર્ષોમાં જે અન-રેગ્યુલેટેડ માઇગ્રેશન થયું છે તેનો વિરોધ કરીએ છીએ. ચેનલ ક્રોસીંગ દ્વારા લોકો ગેરકાયદેસર નાણાં કમાય છે. ખરેખર તો કોઇ લીગલ કે રેગ્યુલેટેડ ઇમિગ્રેશન વિશે વાત કરતું નથી.’’

ગાઝા પટ્ટીની હિંસા અંગે ડૉ. રાજના પ્રશ્નનો જવાબ આપતા એન્ડ્રુએ કહ્યું હતું કે ‘’આ કેસ પેલેસ્ટાઇન વિષેનો નથી. ઇઝરાયેલ પર આક્રમણ થયા બાદ ઇઝરાયેલને પ્રતિકાર કરવાનો અધિકાર છે.’’ જેના જવાબમાં એનેલિસે કહ્યું હતું કે ‘લોકોનું માનવું છે કે આ હિંસા બંધ થવી જોઇએ. તાત્કાલિક સીઝફાયર થવું જોઇએ. હોસ્ટેસીઝને મુક્ત કરવા જોઇએ. અહિં ડીપ્લોમિક સોલ્યુશનની જરૂર છે.’’ રીચર્ડે જણાવ્યું હતું કે ‘’સીઝફાયર થવું જ જોઇએ અને સરકારે ડાયરેક્ટ એક્શન લેવું જોઇએ.’’

આ ડિબેટમાં દરેક નેતાએ રીફોર્મ યુકેના પ્રચારક દ્વારા સુનક વિરૂધ્ધ કરાયેલા રેસીસ્ટ રીમાર્કનો વિરોધ કર્યો હતો. તો પેલેસ્ટાઇન, ફાર્મસી, ઇમિગ્રેશન, ઇકોનોમી, FTSE 100માં BAME સમુદાય, આર્ટ એન્ડ કલ્ચર તથા હેલ્થ કેર બાબતે ચર્ચા કરાઇ હતી અને ત્રણેય નેતાઓએ પોતાનો મત રજૂ કર્યો હતો.

 

આ પ્રસંગે લોર્ડ જીતેશ ગઢીયા, યુગાન્ડાના યુકેના હાઇ કમિશ્નર નિમીશા માધવાણી, બ્રિટીશ ફ્યુચરના સુંદર કાટવાલા, અનુપમ મિશનના ચેરમેન સતીશભાઇ ચતવાણી, જાફરભાઇ કપાસી, વિનોદભાઇ કપાસી, NAPSના પ્રવિણભાઇ અમીન, VHPના મુકેશભાઇ પટેલ, અભિનેતા ભાસ્કર પટેલ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY