કોમનવેલ્થના સેક્રેટરી જનરલ બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ (ફોટો: ઇસ્માઇલી નેશનલ કાઉન્સિલ ફોર યુકે)

લંડનના ઇસ્માઇલી સેન્ટર ખાતે તા. 26ના રોજ યોજાયેલા ઇફ્તાર ડિનરમાં કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડે સ્વર્ગસ્થ પ્રિન્સ કરીમ આગા ખાનને શ્રદ્ધાંજલિ આપી તેમને સેવા, શાંતિ અને બહુલવાદ પ્રત્યેના જીવનભરના સમર્પણ દ્વારા વિશ્વ પર કાયમી અસર છોડનાર એક સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે વર્ણવ્યા હતા.

આ ઇફ્તાર ડિનરમાં લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવી, ઇક્વાલીટી સેક્રેટરી સીમા મલ્હોત્રા, સાંસદ મુનીરા વિલ્સન, રૂપા હક, લોર્ડ તારિક અહમદ અને બેરોનેસ ઉષા પ્રાશર સહિત ધાર્મિક નેતાઓ, રાજદ્વારીઓ અને ઇસ્માઇલી સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

પોર્ટુગલના લિસ્બનમાં 88 વર્ષની વયે અવસાન પામેલા ઇસ્માઇલી મુસ્લિમોના નેતા, પ્રિન્સ કરીમ આગા ખાનની નમ્રતા અને દયાની પ્રશંસા કરતાં બેરોનેસ સ્કોટલેન્ડે કહ્યું હતું કે “તેમની કૃપા અને શાણપણ હંમેશા પ્રેરણાદાયક રહ્યા હતા. સૌથી નોંધપાત્ર વાત એ હતી કે તેમણે દરેક વ્યક્તિને તેમના ધ્યાનને લાયક માન્યા હતા. તેમનું નેતૃત્વ ફરજ અને જવાબદારીથી પ્રેરિત હતું. તેમણે જ્ઞાન, શ્રદ્ધા અને એકતાની પરિવર્તનશીલ શક્તિમાં તેમની અતૂટ શ્રદ્ધા પર પ્રકાશ પાડ્યો હતો. ઇસ્માઇલી સમુદાયને મજબૂત બનાવવાના તેમના પ્રયાસો, ખાસ કરીને યુગાન્ડામાં ઇદી અમીનના શાસનના કષ્ટદાયક વર્ષો દરમિયાન, ન્યાય અને માનવીય ગૌરવ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુરાવો હતા.”

તેમણે કહ્યું હતું કે ‘’આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN) દ્વારા સમાજમાં વ્યાપક યોગદાન અપાયું હતું જેણે શાળાઓ, હોસ્પિટલો, સાંસ્કૃતિક સંસ્થાઓ અને તમામ પૃષ્ઠભૂમિના લોકોની સેવા કરતી આર્થિક પહેલ સ્થાપિત કરી હતી. તેઓ માનતા હતા કે શ્રદ્ધા એક એકીકરણ શક્તિ હોવી જોઈએ, વિભાજન રેખા નહીં, અને લોકો વચ્ચેનો સંવાદ સમૃદ્ધિ અને શાંતિની ચાવી છે.”

બેરોનેસ સ્કોટલેન્ડે ઇસ્માઇલી સમુદાયના નવા નેતા પ્રિન્સ રહીમ આગા ખાન નેતૃત્વની જવાબદારીઓ અંગે કહ્યું હતું કે “પરિવર્તનમાં પણ, સાતત્ય રહે છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વર્ગસ્થ આગા ખાન દ્વારા અપનાવવામાં આવેલા મૂલ્યો ઇસ્માઇલી સમુદાયને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે ધર્મો અને રાષ્ટ્રો વચ્ચે પુલ બનાવવાના મહત્વ વિશે અને ફેઇથ ઇન ધ કોમનવેલ્થ કાર્યક્રમની પ્રશંસા કરી હતી જે વિકાસ, સમાધાન અને શાંતિ નિર્માણ માટે આંતરધાર્મિક સહયોગને પ્રોત્સાહન આપે છે.’’

ઇસ્માઇલી સેન્ટરના પ્રમુખ નૌશાદ જીવરાજે ઇસ્માઇલી સમુદાયની સમૃદ્ધ વિવિધતા અને સારા નાગરિકત્વ અને સ્વૈચ્છિક સેવાના સ્થાયી મૂલ્યોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે “ઇસ્માઇલી સમુદાયની પરંપરાઓ આપણા ભૌગોલિક, સાંસ્કૃતિક અને વંશીય વિવિધતામાં એટલી જ મૂળ ધરાવે છે જેટલી આપણા બહુ-ધાર્મિક પરિવારોની સમાવિષ્ટતામાં છે. સ્વર્ગસ્થ પ્રિન્સ કરીમ આગા ખાન IV  શાંતિ, બહુલવાદ અને માનવ વિકાસના ચેમ્પિયન હતા. તેમના 67 વર્ષના નેતૃત્વમાં મુસ્લિમ અને બિન-મુસ્લિમ બંને લોકોના કલ્યાણ માટે અને આપણે બધા જે મૂલ્યોને પ્રેમ કરીએ છીએ તેના પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા હતી. હવે અમે પ્રિન્સ રહીમ આગા ખાનના માર્ગદર્શન હેઠળ આત્મવિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધીએ છીએ. અમે બહુલવાદની શક્તિમાં દૃઢપણે માનીએ છીએ. વિવિધ પૃષ્ઠભૂમિ, ધર્મો, સંસ્કૃતિઓ, દૃષ્ટિકોણ અને ઓળખના લોકોના ભેગા થવામાં સુંદરતા અને શક્તિ છે.”

LEAVE A REPLY