ઇસ્ટ લંડનના ઇલફર્ડમાં પાર્ક કરાયેલી કારના બૂટમાંથી 24 વર્ષીય હર્ષિતા બ્રેલાની લાશ મળી આવ્યા બાદ પોલીસે મહિલાના ભારતીય મૂળના પતિ પંકજ લાંબાની શોધખોળ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ મહિનાની શરૂઆતમાં તે પત્નીની હત્યા કરીને દેશ છોડીને ભાગી ગયો છે. તા. 18ના રોજ પોલીસે તેમની તસવીરો જાહેર કરી છે.
રવિવારે નોર્થમ્પ્ટનશાયર પોલીસના અપડેટેડ નિવેદનમાં, ચિફ ઇન્સપેક્ટર પૌલ કેશે જણાવ્યું હતું કે ‘’60થી વધુ ડિટેક્ટીવ આ કેસ પર કામ કરી રહ્યા છે અને અમે આરોપી પતિ પંકજ લાંબાની તસવીર પ્રકાશિત કરી છે. અમને શંકા છે કે હર્ષિતાની હત્યા તેના પતિ પંકજ લાંબા દ્વારા આ મહિનાની શરૂઆતમાં નોર્થમ્પટનશાયરમાં કરવામાં આવી હતી. શંકા છે કે લામ્બા હર્ષિતાનો મૃતદેહ નોર્થમ્પ્ટનશાયરથી ઇલફર્ડમાં કાર દ્વારા લઈ ગયો હતો અને તે હવે દેશ છોડીને ભાગી ગયો છે. અમારી પૂછપરછ ચાલુ છે અને CCTV અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) સાથે તપાસ કરી રહ્યા છીએ.’’
પોલીસને બ્રેલા અંગે બુધવારે તા. 13ના રોજ કોલ મળ્યા બાદ પોલીસે નોર્થમ્પટનશાયરના કોર્બીમાં સ્કેગનેસ વોક ખાતેના ઘરની તપાસ કરી હતી. કોઈ જવાબ ન મળતાં, પોલીસે ગુમ વ્યક્તિની તપાસ શરૂ કરતા ગુરુવારે વહેલી સવારે ઇસ્ટ લંડનના ઇલફર્ડ વિસ્તારમાં બ્રિસ્બેન રોડ પર પાર્ક કરાયેલા એક વાહનના બુટની અંદરથી હર્શિતાની લાશ મળી હતી. શુક્રવારે લેસ્ટર રોયલ ઇન્ફર્મરી ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક અધિકારીઓ તપાસ કરી હતી.
અહેવાલ છે કે હર્શિતા ડોમેસ્ટીક વાયોલન્સ પ્રોટેક્શન ઓર્ડર ધરાવતી હતી જે સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇસ્યુ થયો હતો અને 28 દિવસ ચાલ્યો હતો. જેને પગલે પોલીસે આ કેસને ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC) ને પણ રીફર કર્યો છે.
કોર્બીમાં રહેતા હર્ષિતાના પાડોશીએ નોર્ધમ્પ્ટન ક્રોનિકલને જણાવ્યું કે ‘’યુવતી જે ઘરમાં રહેતી હતી તેનો ઉપયોગ HMO તરીકે થતો હતો. હું માનુ છું કે ઘરમાં બલ્ગેરિયન, મોલ્ડોવન અને પોર્ટુગીઝ રહેવાસીઓ છે. મેં આ અઠવાડિયાની શરૂઆતમાં તકરકાર થતી સાંભળી હતી. મેં ઘરમાંથી ધડાકાનો અવાજ સાંભળ્યો હતો.’’
અન્ય પડોશણ કેલી ફિલ્પે ધ મિરરને જણાવ્યું કે ‘’મેં તે જ દિવસે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે ઉગ્ર દલીલો સાંભળી હતી. જો કે તે અન્ય ભાષામાં થતી દલીલો સમજી શકી ન હતી. મહિલા ‘ડરતી હતી’ અને બીજા દિવસે સવારે બે પુરુષોને ફરીથી દલીલ કરતા સાંભળ્યા હતા.
પોલીસ પૂછપરછમાં મદદ કરી શકે તેવી માહિતી હોય તો ફોન નંબર 101 પર પોલીસનો સંપર્ક કરવા અથવા 0800 555111 ઉપર ક્રાઈમસ્ટોપર્સને કૉલ કરવા વિનંતી કરાઇ છે.