ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે બુધવારે હિંસક અથડામણ થઈ હતી. ઈઝરાયલના હુમલામાં ગાઝા પટ્ટીમાં સોમવાર પછીથી 10 બાળકો સહિત ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા થયા હતા, જ્યારે ઈઝરાયલમાં પણ 5 લોકોના મૃત્યુ થયા હતા. આ હિંસામાં એક ભારતીય મહિલાના મોતના પણ અહેવાલ આવ્યા હતા.
પેલેસ્ટાઇનના કટ્ટરવાદી સંગઠનોએ સોમવારની સાંજથી ઇઝરાયેલ સામે 1,000થી વધુ રોકેટ છોડ્યા હતા, એમ ઇઝરાયેલના આર્મી પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું.
ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં બુધવારે સવારે સંખ્યાબંધ હવાઈ હુમલા કર્યા હતા. હમાસ અને અન્ય ઉગ્રવાસી સંગઠનો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઈઝરાયલે કડક વલણ અપનાવ્યું હતું. આ સંગઠનોએ ઈઝરાયલના પાટનગર તેલ અવીવમાં હુમલા કર્યા હતા. ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલામાં ગાઝા પટ્ટી સ્થિત એક બહુમાળી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. આ ઉપરાંત અન્ય એક ઈમારતને નુકસાન પહોંચ્યું હતું. ઈઝરાયલે આ બિલ્ડિંગોને ટાર્ગેટ બનાવીને એરસ્ટ્રાઈક કરી હતી.
ઈઝરાયલના જણાવ્યા અનુસાર તેમના જેટ વિમાનોએ હમાસના કેટલાક ઈન્ટેલિજન્સ લીડર્સને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક હુમાલમાં હમાસના રોકેટ લોન્ચ સાઈટ્સ અને ઉગ્રવાદી સંગઠનના નેતાઓના ઘર તેમજ ઓફિસને પણ નિશાન બનાવવામાં આવી હતી. 2014માં ગાઝામાં ઈઝરાયલ અન હમાસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ આ પ્રથમ બનાવ છે જ્યારે આટલું ભીષણ યુદ્ધ જોવા મળે છે. વિશ્વમાં કોરોનાના સંકટ વચ્ચે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ ચાલુ થતા ચિંતા વધી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના મધ્ય પૂર્વ એશિયાના શાંતિ દળના રાજદ્વારી ટોર વેન્નેસલેન્ડે ટ્વીટ કરીને જણાવ્યું કે, તત્કાલ ફાયરિંગ રોકવામાં આવે. આપણે એક યુદ્ધ તરફ આગળ વધી રહ્યા છીએ. તમામ પક્ષના નેતાઓએ તણાવને અટકાવવા અને ઘર્ષણને રોકવા જવાબદારી લેવી જોઈએ.
હમાસના રોકેટ હુમલામાં એક ભારતીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મહિલાનું નામ સૌમ્યા સંતોષ હતું અને તે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં વસી રહ્યા હતા. ઈઝરાયલના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હમાસે રહેણાંક વિસ્તારમાં આશરે 130 રોકેટનો મારો ચલાવ્યો હતો અને જેરૂસલેમમાં ભારે હિંસા ફેલાવી હતી. આવા જ એક હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષ મૃત્યુ પામ્યા છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત ડૉ. રૉન મલકાએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી અને મૃતકના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.