યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) ના 2024ના વાર્ષિક ડેટા મુજબ ઇંગ્લેન્ડમાં ક્ષય – ટીબીના રોગના દર્દોની સંખ્યામાં 2023ની સરખામણીમાં 13%નો વધારો થયો છે. દર્દીઓની સંખ્યા 4,850થી વધીને 5,480 થઇ છે.
ઇંગ્લેન્ડમાં સામાન્ય રીતે ટીબી ઓછા લોકોને થાય છે, પરંતુ ઇંગ્લેન્ડમાં ટીબીની સૂચનાનો દર 2023માં 100,000ની વસ્તી દીઠ 8.5થી વધીને 2024માં 100,000 લોકો દીઠ 9.5નો થયો છે. 2024માં ટીબી થઇ હોવાની જાણ કરનારા લોકો પૈકી 81.5% લોકો યુકેની બહાર જન્મેલા હતા. પરંતુ તાજેતરમાં યુકેમાં જન્મેલા અને યુકેની બહાર જન્મેલા બંને લોકોની વસ્તીમાં વધારો થયો હતો.
2024માં ટીબીના દર્દીઓમાં સૌથી મોટો વધારો લંડન અને વેસ્ટ મિડલેન્ડ્સમાં નોંધાયો હતો. યુકેમાં જન્મેલા વ્યક્તિઓમાં, બેઘર, ડ્રગ અથવા દારૂ પર નિર્ભર અને ફોજદારી ન્યાય પ્રણાલીના સંપર્કમાં રહેલા લોકોમાં ટીબી વધુ સામાન્ય છે.
યુકેએચએસએ ખાતે ટીબી યુનિટના વડા ડૉ. એસ્થર રોબિન્સને કહ્યું હતું કે “ઈંગ્લેન્ડમાં ટીબી એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે અને તેનો ચેપ અટકાવી શકાય છે અને ઉપચાર કરી શકાય છે. ટીબીના લક્ષણોમાં ૩ અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલતી લાળ ધરાવતી ઉધરસ, ઉંચો તાવ, રાત્રે પરસેવો થવો, ભૂખ ન લાગવી અને વજનમાં ઘટાડો સામેલ છે.