ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમના કેપ્ટન રે ઈલિંગવર્થનું 89 વર્ષની ઉંમરે રવિવારે નિધનથયું છે. ઈલિંગવર્થને ઘણાં લાંબા સમયથી કેન્સરની બીમારી હતી. તેઓ ઓફ સ્પિન ઓલરાઉન્ડર હતા અને તેમણે કારકિર્દીની શરૂઆત 1951માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી કરી હતી. તે સમયે તેમની ઉંમર 19 વર્ષ હતી. ઈલિંગવર્થ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 787 મેચ રમીને 24,143 રન કર્યા હતા અને 2,072 વિકેટ પણ લીધી હતી. ઈલિંગવર્થે પોતાની કેપ્ટનશિપમાં જ યોર્કશાયર ટીમને સતત ત્રણ વખત (1966થી 1968 સુધી) કાઉન્ટીને ચેમ્પિયન બનાવી હતી.
તેઓ 1958થી 1973 સુધી ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમ્યા હતા. આ દરમિયાન તેઓ 61 ટેસ્ટ અને ત્રણ વનડે મેચ રમ્યા હતા. ઈલિંગવર્થે ટેસ્ટમાં 1836 રન બનાવ્યા અને 122 વિકેટ લીધી. વનડેમાં તેમણે 2 પારીમાં ફક્ત 5 રન બનાવ્યા પરંતુ 4 વિકેટ પણ લીધી હતી. તેમણે પોતાની કેપ્ટનશિપમાં જ 1970/71ની એસીઝ સીરિઝમાં શાનદાર 2-0થી વિજય અપાવ્યો હતો.