આજ રાતથી પબ્સ, રેસ્ટોરંટ્સ, કેફે, જીમ બંધ કરવા આદેશ

0
1355
બોરિસ જ્હોન્સન (Photo by Christopher Furlong/Getty Images)

કોરોનાવાયરસના કારણે બ્રિટનમાં 177 લોકોના મોત થયા બાદ કોરોનાવાયરસના ફેલાવાને ધીમો કરવા વડા પ્રધાન બોરીસ જ્હોન્સને ​​એક પ્રેસ કોન્ફરન્સમાં આજે રાતથી આખા યુકેભરમાં કેફે, પબ, રેસ્ટૉરન્ટ્સ, થિયેટરો, સિનેમાઘરો, જીમ અને રમતગમત કેન્દ્રોને બને એટલા જલદી અને વ્યાજબી ધોરણે બંધ કરી દેવા આદેશ આપી લોકોને પોતાના ઘરમાં રહેવાની વિનંતી કરી હતી. આજે વિક્રમરૂપ સૌથી વધુ 40 લોકો મોતને ભેટ્યા હતા. કુલ 56,221 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 3269 કેસ પોઝીઠીવ જણાયા હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર શહેર અને તેની નવ મિલિયનની વસ્તીને કોરોનાવાયરસનો ચેપ લાગી શકે છે. લંડનના મેયરે લોકોને પબ પર પ્રતિબંધ લગાવવાની ધમકી આપી ચેતવણી આપી હતી કે જરૂર પડે તેમના માનવાધિકારનું ‘ઉલ્લંઘન’ પણ કરાશે. જોકે ફરજિયાત શટડાઉન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉદાસ દેખાતા જ્હોન્સને જણાવ્યુ હતુ કે ‘હું જાણું છું કે આ મુશ્કેલ છે … પરંતુ આપણે સૌ સાથે મળીને જે કરી રહ્યા છઈએ તે એનએચએસને આ મુશ્કેલીથી દૂર કરવામાં મદદ કરી રહ્યા છીએ. આપણી રીકવર થવાની ગતિ આપણી સામૂહિક ક્ષમતા પર આધારિત છે અને તેનો અર્થ એ કે આપણે વૈજ્ઞાનિકોની સલાહના આધારે આગળનાં પગલાં ભરવા પડશે. અમારી યોજનાને અનુસરીને અમે સોમવારે જાહેર કરેલા પગલાને આગળ ધપાવી આજ રાતથી કેફે, પબ્સ, બાર અને રેસ્ટૉરન્ટ્સને બંધ કરવા જણાવ્યુ છે. જો કે રેસ્ટોરાંઓને ટેક-વે તરીકે ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

નિષ્ણાતોએ આજે ​​ચેતવણી આપી છે કે જ્યાં સુધી વસ્તીના ઓછામાં ઓછા અડધા લોકો જાતે અલગ થઇ ઘરમાં નહિ રહે અને ‘સામાજિક અંતર’ના નિયમોનું પાલન નહિ કરે તો બોરીસ જ્હોન્સનની કોરોનાવાયરસ સામેની યોજના નિષ્ફળ જઈ શકે છે અને એનએચએસને ઘુટણીયે પાડી શકે છે. વડા પ્રધાનની યોજનાનું ભાગ્ય પૂરતા લોકો ઘરે રહે તેના પર નિર્ભર છે.

જ્હોન્સને કહ્યું હતુ કે ‘તમને રાતે બહાર જવાની લાલચ શકે છે પણ હું તમને કૃપા કરીને નહીં જવા કહુ છું. તમને થશે કે તમે અદમ્ય છો પણ કોઈ ગેરેંટી નથી કે તમને વાયરસ મળશે કે નહિ. પરંતુ તમે હજી પણ આ રોગના વાહક બની શકો છો અને ચેપ લોકોને આપી શકો છો. જેટલી અસરકારક રીતે આપણે આપવામાં આવેલી સલાહને અનુસરીશુ, તેટલી ઝડપથી આ દેશ તબીબી અને આર્થિક સુધારણાના લક્ષ્ય પૂર્ણ કરશે.”

મલ્ટી-મિલીયોનેર વેધરસ્પૂન બોસ, ટિમ માર્ટિને આરોગ્ય સામે જોખમ હોવા છતાં તેમનો હેતુ પબ્સની ચેઇન ખુલ્લી રાખવાનો છે તેમ કહેતા તેમની વ્યાપક ટીકા થઈ હતી. લંડનના મેયર સાદિક ખાન પણ આજે સાંજે કોઈ નોંધપાત્ર જાહેરાત કરે તેમ માનવામાં આવે છે.

ચાન્સેલર સુનકે કહ્યું હતુ કે ‘’સરકાર કામ ન કરતા કર્મચારીઓને એક મહિનાના વેતનના 80% અથવા મહત્તમ £2,500 ચૂકવશે. કર્મચારીઓને કામ પરથી દૂર કરાતા આપવામાં આવેલી સહાય માટેના નવા પગલાં “અભૂતપૂર્વ” છે. તેમણે કોરોનાવાયરસના સંકટના સમયે એમ્પલોયરને તેમના કર્મચારીઓની પડખે ઉભા રહેવા અપીલ કરી હતી.’’

ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડો. જેની હેરીઝે પત્રકારોને જણાવ્યું હતું કે ‘’સરકારે લોકોને બહાર જવા સામે સલાહ આપી નથી. પરંતુ અમે કહી રહ્યા છીએ કે, જો તમે બહાર જવાના હો તો એવી રીતે જાઓ કે જેથી તમારો સામાજિક સંપર્ક ઘટે.’

નિષ્ણાતોએ 12 અઠવાડિયાની અંદર સંકટની સ્થિતિમાંથી બહાર નીકળી શકાય છે તેવા જ્હોન્સનના દાવા પર શંકા વ્યક્ત કરી કહ્યું હતું કે ‘ઓછામાં ઓછા એક વર્ષ માટે નિયંત્રણોની જરૂર રહેશે. લંડન અને મિડલેન્ડ્સ જેવા ‘હોટસ્પોટ્સ’  સાથે બ્રિટનને જુદા જુદા ઝોનમાં વિભાજીત કરવામાં આવશે અને સખત પગલાં લેવામાં આવશે. ચેપના પ્રસારની ગતિને આધારે નિયંત્રણ હળવા કે કડક કરાશે.

કોરોનાવાયરસનુ બીજું હોટસ્પોટ વેસ્ટ મિડલેન્ડ્સ

કોરોનાવાયરસનુ બીજું હોટસ્પોટ બનેલા વેસ્ટ મિડલેન્ડ્સમાં અત્યાર સુધીમાં 282 કેસ અને 28 મૃત્યુ જોવા મળ્યા છે. યુકેમાં મોતને ભેટેલા લોકો પૈકી આ વિસ્તારનો લોકોનો હિસ્સો 20 ટકા છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’સરકાર આ વિસ્તારમાં કોરોનાવાયરસ હોટસ્પોટ કઇ રીતે વિકસ્યુ તેની તપાસ કરશે. આ હોટસ્પોટ લંડન જેટલો મોટો નથી, પરંતુ તે ચિંતાજનક છે. અમે સ્પષ્ટપણે નજીકથી જોઈ રહ્યા છીએ. આ રોગનો ફેલાવો હોટસ્પોટના વિસ્તારોમાં થાય છે અને પછી તેમાંથી તે વિસ્તૃત થાય છે.”

હેનકોકે કહ્યું હતું કે ‘’લગભગ 1.4 મિલિયન લોકોને ગંભીર કોરોનાવાયરસથી સૌથી વધુ ‘જોખમ’ છે અને તે તમામને લોકોનો તમામ સામાજિક સંપર્ક બંધ કરવાની સલાહ આપતો ટેક્સ્ટ સંદેશ મોકલવામાં આવશે. ખૂબ જ સંવેદનશીલ લોકોને સોમવારથી 12 અઠવાડિયા સુધી સામાજિક અંતરનાં પગલાં ભરવાનું કહેવામાં આવશે. આ ખરેખર મુશ્કેલ છે પરંતુ તેમની પોતાની સુરક્ષા માટે જરૂરી છે.

ક્વીન એલિઝાબેથ અને તેમના પતિ પ્રિન્સ ફીલીપ વિન્ડસર કાસલ રહેવા ગયા છે. ટાવર ઑફ લંડન સહિત અન્ય ઐતિહાસિક ઇમારતો મ્યુઝીયમો બંધ કરાયા છે.

યુકેમાં ક્યાં કેટલા મૃત્યુ નોંધાયા

સ્થાન                   મૃત્યુ    કેસ

લંડન                   51      953

સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ     21      285

સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ     2       117

નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ      9       180

નોર્થ ઇસ્ટ અને યોર્ક્સ    5       168

મિડલેન્ડ્સ              26     234

ઇસ્ટ એન્ગલીઆ        3       128

નોર્ધર્ન આયર્લેન્ડ        1       77

વેલ્સ                   2       170

સ્કોટલેન્ડ               6       266

બ્રિટન કુલ              144    3269

યુકેમાં નવા બનાવેલા વેન્ટિલેટર આવતા અઠવાડિયે તૈયાર

બ્રિટને કોરોનાવાયરસના રોગચાળા સામે લડવા માટે હજારો વેન્ટિલેટર બનાવવા માટે ઇન્ડસ્ટ્રીને કરેલી અપીલ રંગ લાવી છે અને ટોચની અડધા ડઝનથી વધુ કંપનીઓએ એક પ્રોટોટાઇપ તૈયાર કરી લીધો છે અને આવતા અઠવાડિયાના અંત સુધીમાં હોસ્પિટલોમાં ઉપયોગ માટે વેન્ટિલેટર તૈયાર થઇ જશે.

હેલ્થ સેક્રેટરી હેનકોકે બીબીસી ટીવીને કહ્યું હતુ કે કે, “કંપનીઓના પહેલેથી જ બનાવાયેલા પ્રોટોટાઇપની ચકાસણી કરી યોગ્ય ગુણવત્તાથી અમે ખુશ હોઇશુ તો તેનુ નિર્માણ કરવામાં આવશે. વિશ્વાસ નથી થતો પણ આ શક્ય થયુ છે. શક્ય તેટલા વધુ વેન્ટીલેટર બનાવવાની જરૂર છે અને અમે તેને ખરીદી લઇશું. એનએચએસ માટે આ એક મોટી સમસ્યા છે અને વિશ્વભરમાં અન્ય દેશોને પણ વેન્ટિલેટરની જરૂર છે.

બ્રિટનની એરોસ્પેસ અને કાર કંપનીઓએ મૂળભૂત વેન્ટિલેટર બનાવવા માટે ત્રણ ટીમોની રચના કરી છે. સિવિલ એરોસ્પેસ અને મીલીટરી ફાઇટર પ્રોગ્રામ માટે ઓક્સિજન સિસ્ટમ્સ સહિતના ઘટકોનું નિર્માણ કરનારી મેગિટ પીએલસી, જી.કે.એન., થેલ્સ એસ.એ. અને રેનિશો પી.એલ.સી. સાથે મળીને એક સંઘનું નેતૃત્વ કરી રહી છે. કાર ઉત્પાદક મેકલેરેન વેન્ટિલેટરના સરળ સંસ્કરણની ડિઝાઇનનુ અને નિસાન મોટર વેન્ટિલેટરના ઉત્પાદકોને ટેકો આપી રહી છે.

આ વેન્ટિલેટર મશીનો માણસના ફેફસાંની અંદર ઓક્સીજન ધકેલવાનુ અને બહાર કાઢવાનુ કામ કરે છે. જે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા કોરોનાવાયરસ દર્દીઓને મદદરૂપ બને છે. ચીનમાં આ મહિનાની શરૂઆતમાં ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક બીવાયડીએ એક દિવસમાં 5 મિલિયન ફેસ માસ્ક અને 300,000 બોટલ હેન્ડ સેનિટાઈઝર બનાવવાનું શરૂ કર્યું હતું.

ઇયુ ‘કોરોનાબોન્ડ્સ’ બહાર પાડશે

ઇયુ કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડર લેયેનએ જર્મન રેડિયોને જણાવ્યું હતું કે ‘’યુરોપિયન કમિશન કોરોનાવાયરસ ફાટી નીકળતાં આર્થિક પડતીને ઘટાડવા માટે સામાન્ય યુરો ઝોન બોન્ડ્સ જારી કરનાર છે. બ્લોકની અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે અમે ‘’જો અને તો’’ની ચર્ચા કર્યા વગર બધું કરીશુ. અમે દરેક વસ્તુ તરફ ધ્યાન આપી રહ્યા છીએ અને આ કટોકટીમાં મદદ કરનારી દરેક વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે.”

બ્રિટનના રેલ નેટવર્ક અને હીથ્રોએ સેવાઓ ઓછી કરી

બ્રિટનના રેલ નેટવર્કે કોરોનાવાયરસ સંકટ દરમિયાન તેની અડધી સેવાઓ રદ કરશે જ્યારે દેશના સૌથી મોટા હિથ્રો એરપોર્ટે દેશનો મોટાભાગ આંશિક રીતે બંધ થઇ જતા પોતાની સેવાઓ પણ ઓછી કરી છે. વધુને વધુ લોકો ઘરેથી કામ કરે છે અને લોકોએ મુસાફરી બંધ કરી છે તેવા સંજોગોમાં  સોમવારથી ટ્રેનો વિક ડેઝમાં ચાલતી સામાન્ય સેવાઓ કરતા અડધી માત્રામાં જ ચાલશે. બીમારીના ફેલાવાને રોકવા માટે બ્રિટનમાં લોકોને બને તેટલુ ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છેપરંતુ તેઓ જરૂર પડે પોતાનુ ઘર છોડા બહાર જઇ શકે છે.

બાકીની રેલ સેવાઓ ઇમરજન્સી સેવાઓમાં કામ કરતા લોકોને નોકરી પર અને ઘરે પરત લઇ જશે અને દેશભરમાં મહત્વપૂર્ણ માલસામાનની હેરફે કરવામાં મદદ કરશે.

બેંક ઓફ ઇંગ્લેન્ડે બેંકોનો વાર્ષિક સ્ટ્રેસ ટેસ્ટ રદ કર્યો

યુરોપિયન યુનિયન દ્વારા અગ્રણી બેંકોનુ હેલ્થ ચેક રદ કરવાના નિર્ણય બાદ બેન્ક ઑફ ઇંગ્લેંડે આઠ મોટી બેંકો અને બિલ્ડીંગ સોસાયટીઓ કોરોનાવાયરસ સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે તેમનો સ્ટ્રેસ ટેસ્ટ રદ કર્યો હતો. તાજેતરના 2019ના સ્ટ્રેસ ટેસ્ટથી જણાયુ હતુ કે યુકે બેન્કિંગ સિસ્ટમ એ યુકે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉંડી મંદી સામે સ્થિતિસ્થાપક હતી. બ્રિટનને તીવ્ર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. બીઓઇએ ઓપન-એન્ડેડ ફંડમાં ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી સાથેનો તેનો સંયુક્ત સર્વે મુલતવી રાખનાર છે.

જે.પી. મોર્ગનના અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે આ ક્વાર્ટરમાં ચીની અર્થવ્યવસ્થા 40% અને યુ.એસ.ના અર્થતંત્રમાં 14%નો ઘટાડો થશે. રેટિંગ્સ એજન્સી મૂડી પણ વિશાળ ડાઉનગ્રેડિંગ માટે તૈયાર છે. કોરોનાવાયરસના કારણે પ્રેટ અ મેન્ગર ઓછામાં ઓછા 3 મહિના માટે સ્ટાફના પગાર અને કલાકોમાં કાપ મૂકનાર છે. બ્રિટનમાં નાની જીન ડિસ્ટિલેરીઝે રાષ્ટ્રીય અછત વચ્ચે હેન્ડ સેનિટાઈઝર બનાવવાનું શરૂ કર્યું છે.

બ્રિટીશ એરવેઝના પાઇલટ્સના પગારમાં ઘટાડો

એરલાઇન્સને કોરોનાવાયરસના સંકટથી બચાવવા માટે ખર્ચ ઘટાડવાના પ્રયાસ તરીકે બ્રિટીશ એરવેઝ પોતાના પાઇલટ્સને આગામી એપ્રિલ અને મે મહિનાના તેમના મૂળ પગારમાં 50%નો ઘટાડો કરનાર છે. બ્રિટિશ એરવેઝે તેના સ્ટાફને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તે યુકે સ્થિત પાયલોટ યુનિયન BALPA સાથે થયેલ વાટાઘાટ બાદ પ્રારંભિક પગલાં લેવા સંમત થઈ છે. સામે પક્ષે પાઇલટ્સ તેમના પેન્શન યોગદાનને અસ્થાયીરૂપે સ્થગિત કરી શકશે. BALPAએ બી.એ.માં પાઇલટ્સના પગારમાં 50% ઘટાડાના અહેવાલો ખોટા હોવાનુ જણાવ્યુ હતુ.

બેન્ટલી ચાર અઠવાડિયા માટે કાર ઉત્પાદન સ્થગિત કરશે

લક્ઝરી કાર બ્રાન્ડ બેન્ટલી આ શુક્રવારના અંતથી તેની બ્રિટીશ ફેક્ટરીમાં કારનું ઉત્પાદન બંધ કરશે. આમ કરનાર તે બ્રિટનના અંતિમ કાર ઉત્પાદકોમાંની એક છે. તેની પેરેન્ટ કંપની વૉક્સવેગને જણાવ્યું હતું કે રોગચાળાના કારણે વેચાણની સપ્લાય ચેનમાં અવરોધ આવતા આખા યુરોપમાં આવેલા પ્લાન્ટમાં આઉટપુટ બંધ કરી દેશે. બેન્ટલીની નોર્ધર્ન ઇંગ્લિશ સાઇટ ક્રુમાં અત્યાર સુધી કામગીરી ચાલુ હતી.

બેન્ટલી દર વર્ષે આશરે 11,000 વાહનો બનાવે છે અને આશરે 4,500 લોકોને રોજગારી આપે છે. આ પગલું તેના કર્મચારીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને બજારમાં ઘટતી જતી માંગને કારણે લેવાયુ હતુ. 20 એપ્રિલે તે ફરીથી ખોલવી જોઈએ એમ કંપનીના બોસ એડ્રિયન હૉલમાર્કે જણાવ્યું હતું. ચીનમાં માંગ ગયા મહિનામાં અપેક્ષા કરતા 50% નીચે હતી પરંતુ માર્ચમાં અપેક્ષિત સ્તરે પરત ફરી રહી છે.