અયોધ્યા એરપોર્ટેને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના નામ આપવામાં આવશે. આ સાથે જ એરપોર્ટને હવે ઈન્ટરનેશનલ લેવલનું બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સરકારે એરપોર્ટનું નામ બદલવા અને એરપોર્ટનો વિસ્તાર વધારવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકાર એરપોર્ટની કામગીરી ડિસેમ્બર 2021 સુધી પુરી કરવા ધારે છે.
અયોધ્યામાં રામમંદિર બન્યા બાદ દેશપરદેશના દર્શનાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થવાની ધારણા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એરપોર્ટના વિસ્તારની યોજના બનાવવામાં આવી છે. અયોધ્યા એરપોર્ટને હાલ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળ્યો નથી, પણ રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે તૈયારી કરાવી રહી છે, જેથી એરપોર્ટ શરૂ થાય તે પહેલાં જ ઈન્ટરનેશનલ લેવલનો દરજ્જો મળી શકે.