કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામને યુએસએના સાન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર ખાતે ઇન્ડિયન ડાયસ્પોરાને સંબોધન કર્યું હતું. (@FinMinIndia via PTI Photo)

અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે આવેલા ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને રવિવારે સાન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયન ડાયાસ્પોરા સાથેના વાર્તાલાપમાં જણાવ્યું હતું કે ભારત અમેરિકાના વહીવટીતંત્ર સાથે સક્રિય વાટાઘાટો કરી  છે અને આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પ્રથમ તબક્કાનો દ્વિપક્ષીય વેપાર કરાર થવાની આશા છે.

અમેરિકા સાથે વેપાર કરારને પ્રાથમિકતા આવવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરી નાણાપ્રધાને જણાવ્યું હતું કે અમે અહીંની સરકાર સાથે વાતચીત કરવાને પ્રાથમિકતા આપી છે. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન પોતે અમેરિકાની મુલાકાતે આવ્યા હતાં. ભારતના વાણિજ્ય અને વેપાર પ્રધાન આવ્યા હતાં. હું અહીં આવી છું, કારણ કે IMF અને વિશ્વ બેંકની પણ બેઠક છે. હું અમેરિકાના નાણાપ્રધાનને મળીશ. અમેરિકના વાઇસ પ્રેસિડન્ટ ભારતમાં છે. તેઓ સોમવારની સાંજે વડાપ્રધાન સાથે બેઠક કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ભારતે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) કરવાની યોજના બનાવી છે, જે એક પ્રકારનો મુક્ત વેપાર કરાર છે. બંનેએ BTAને બે તબક્કામાં અથવા વધુ તબક્કામાં પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સાથે લાંબા અને ટૂંકા ગાળાની વાતચીત ફક્ત પારસ્પરિક ટેરિફ સંબંધિત બાબત નથી, પરંતુ એક કરારને ધ્યાનમાં રાખવા અને સૌથી મોટા વેપારી ભાગીદારોમાંના એકના હિતમાં, આપણે કરાર કરવાની જરૂર છે, અમે કામ કરી રહ્યા છીએ, જેથી આ વર્ષના પાનખર સુધીમાં આપણે કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર કરી શકીએ.

ભારતના ભાવિ વૈશ્વિક નેતૃત્વ અને વર્તમાન બજેટ આ મહત્વાકાંક્ષાને કેવી રીતે સમર્થન આપે છે તે અંગેના પ્રશ્નના જવાબમાં, સીતારામને સેમિકન્ડક્ટર, રિન્યુએબલ ઉર્જા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્ર સરકાર 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે.

 

LEAVE A REPLY