અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે શુક્રવારે ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના આશરે 5.32 લાખ લોકો માટેના કાનૂની રક્ષણ રદ કરવાની જાહેરાત કરી હતી. આનાથી આ તમામ લોકોને એક મહિનામાં દેશનિકાલ કરવામાં આવી શકે છે.

આ આદેશ ઓક્ટોબર 2022થી અમેરિકામાં આવેલા ચાર દેશોના લગભગ 5,32,000 લોકોને લાગુ પડે છે. તેઓ ફાઇનાન્શિયલ સ્પોન્સર્સ સાથે આવ્યા હતાં અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરમિટ અપાઈ હતી. યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે તેઓ 24 એપ્રિલે અથવા ફેડરલ રજિસ્ટરમાં નોટિફિકેશન જારી થયાના 30 દિવસ પછી તેમનો કાનૂની દરજ્જો ગુમાવશે.

નવી નીતિ એવા લોકોને અસર કરે છે જેઓ પહેલાથી જ યુ.એસ.માં છે અને જેઓ માનવતાવાદી પેરોલ કાર્યક્રમ હેઠળ આવ્યા છે. માનવતાવાદી પેરોલના વ્યાપક દુરુપયોગને સમાપ્ત કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના અગાઉના નિર્ણયને પગલે આ જાહેરાત કરાઈ છે. આ કાર્યક્રમ હેઠળ સામાન્ય રીતે પ્રેસિડન્ટ યુદ્ધ અથવા રાજકીય અસ્થિરતા હોય તેવા દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશ કરવાની અને અસ્થાયી રૂપે રહેવાની પરવાનગી આપતા હોય છે.

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે જણાવ્યું હતું કે યુ.એસ.માં રહેવા માટે કાયદેસર આધાર વગર આ લોકોએ અમેરિકા છોડવું પડશે. પેરોલ સ્વાભાવિક રીતે કામચલાઉ છે, અને ફક્ત પેરોલ કોઈપણ ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવાનો આધાર નથી.
નવા આદેશ પહેલાં કાર્યક્રમના લાભાર્થીઓ તેમના પેરોલની મુદત પૂરી થાય ત્યાં સુધી યુ.એસ.માં રહી શકતા હતાં, જોકે વહીવટીતંત્રે આશ્રય, વિઝા અને અન્ય વિનંતીઓ માટેની તેમની અરજીઓ પર પ્રક્રિયા કરવાનું બંધ કરી દીધું હતું જેનાથી તેમને લાંબા સમય સુધી રહેવાની મંજૂરી મળતી હતી. વહીવટીતંત્રના નિર્ણયને ફેડરલ કોર્ટમાં પહેલાથી જ પડકારવામાં આવ્યો છે.

અમેરિકન નાગરિકો અને ઇમિગ્રન્ટ્સના એક જૂથે માનવતાવાદી પેરોલ સમાપ્ત કરવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો માંડ્યો છે અને ચાર દેશો માટે કાર્યક્રમોને ફરીથી સ્થાપિત કરવાની માગણી કરી છે.

જસ્ટિસ એક્શન સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર કરેન ટમલિને અગાઉ જણાવ્યું હતું કે શુક્રવારના અવિચારી, ક્રૂર નિર્ણયથી દેશભરના પરિવારો અને સમુદાયો માટે બિનજરૂરી અરાજકતા ઊભી થશે અને હૃદયદ્રાવક દ્વશ્યો ખડા થશે.
બાઇડને વહીવટીતંત્રે ચાર દેશોમાંથી દર મહિને 30,000 લોકોને વર્ક પરમિટ સાથે અમેરિકામાં પ્રવેશની છૂટ આપી હતી.

ક્યુબા સામાન્ય રીતે ડિપોર્ટેશન ફ્લાઇટ સ્વીકાર છે, જ્યારે વેનેઝુએલા અને નિકારાગુઆએ એક પણ ફ્લાઇટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્રણેય અમેરિકાના વિરોધી દેશો છે.

LEAVE A REPLY