અમેરિકાના મેરીલેન્ડમાં હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા ગુજરાતી મૂળના પટેલ દંપતિ પર શુક્રવારે એક યુવાને ફાયરિંગ કરતાં પત્નીનું મોત થયું હતું અને પતિને ગંભીર ઇજા થઈ હતી, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. આ પટેલ દંપતિ સુરતના સુરતના ભરથાણા ગામના મૂળ રહેવાસી હતી. પોલીસે હુમલાખોર હકીમ ઈવાન નામના યુવકની ધરપકડ કરી હતી.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મુળ સુરતના ભરથાણા ગામના દિલિપભાઇ ઇશ્વરભાઇ પટેલ અને તેમના પરિવારમાં પત્નિ ઉષાબેન અને બે પુત્રો વર્ષોથી અમેરિકાના મેરિલેન્ડમાં રહેતા હતા અને મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. શુક્રવારે દિલિપભાઇ અને તેમની પત્ની ઉષાબેન મોટેલમાં હતા. તે વખતે એક યુવાન હકીમ એમ ઇવાન્સ (ઉ.વ.૨૬)ને રૃમ નં.૨૦૬ રાખ્યો હતો.પરંતુ કોઇક કારણસર રૃમને લઇને ઝઘડો થતાં ઉશ્કેરાયેલા યુવાન ઇવાન્સે બંદૂકમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. જેમાં એક ગોળી ઉષાબેનની છાતીમાં વાગી હતી. બીજી ગોળી દિલિપભાઇની કમરમાં વાગી હતી. અને ત્રીજી ગોળી દિવાલ સાથે અથડાઇ હતી. ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી યુવાન કારમાં ભાગી છુટયો હતો. ઉષાબેન અને દિલિપભાઇને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાતા છાતીમાં ગોળી વાગવાના કારણે 58 વર્ષીય ઉષાબેનને મૃત જાહેર કરાયા હતા. દિલિપભાઇની તબિયત સ્થિર હોવાનું માનવામાં આવે છે.
આ ઘટનામાં ઉષાબેનના મૃત્યુના સમાચાર મળતા જ સુરતના ભરથાણા ગામમાં રહેતા તેમના પરિવારજનો, સંબંધીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી. પરિવારમાં બે પુત્રો કેયુર અને કેતુલનો સમાવેશ થાય છે.