અમેરિકામાં કેલિફોર્નિયા, ઓરેગન અને વોશિંગ્ટનના જંગલમાં લાગેલી આગથી લાખો લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થયું છે. આગને કારણે શનિવારે સંપૂર્ણ વેસ્ટ કોસ્ટમાં ધૂમાડાનું વાતાવરણ છવાયું હતું, જેના કારણે લાખો લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું હતું. આગને કારણે કેલિફોર્નિયા, ઓરેગન અને વોશિંગ્ટનમાં મૃતકોની સંખ્યા 27 પર પહોંચી છે અને તેમાં વધારો થવાની શંકા છે. સૌથી વધુ મૃત્યુ કેલિફોર્નિયા અને ઓરેગનમાં થયા છે. પ્રેસિડેન્ટપદના ઉમેદવાર જો બિડેને આ આગ માટે જવાબદાર ક્લાયમેટ ચેન્જ બાબતે પણ ચેતવણી આપી છે. ઓરેગનમાં ફાયર માર્શલને અચાનક રજા પર મોકલાતા તેમણે રાજીનામું આપી દીધું છે. ધૂમાડાને કારણે ઘરમાં રહેતા લોકો પણ સુરક્ષિત નથી. ઓરેગન પાસે પાંચ લાખ લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા કહેવામાં આવ્યું છે. વાયુ પ્રદૂષણનું સ્તર આટલું વધુ અગાઉ ક્યારેય નોંધાયું નથી. લોકોએ ધૂમાડાને રોકવા માટે દરવાજાની નીચે કપડા રાખ્યા છે, અને કેટલાક ઘરમાં પણ એન 95 માસ્ક પહેરે છે.
કેલિફોર્નિયામાં આગ લાગવાની 28 મોટી ઘટનાઓને કારણે 4375 વર્ગ માઇલ વિસ્તારને બળી ગયો છે અને 16 હજાર ફાયર ફાઇટર્સ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેલિફોર્નિયામાં ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટના અધિકાર ડેનિયલ બેર્લેન્ટે જણાવ્યું હતું કે, વોશિંગ્ટનના જંગલમાં ભીષણ આગ લાગી છે. મધ્ય ઓગસ્ટમાં જંગલમાં આગ લાગવાથી કેલિફોર્નિયામાં 22 લોકોના મોત થયાહતા. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે કેલિફોર્નિયા જશે. કેલિફોર્નિયા, ઓરેગન અને વોશિંગ્ટનના ગવર્નરે પણ જણાવ્યું હતું કે, વાતાવરણીય ફેરફારને કારણે આગ લાગી છે