અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે બંને મુખ્ય હરિફો એકબીજા સામે આક્ષેપો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સ્થિતિમાં રવિવારે કમલા હેરિસે પ્રજનન અધિકારોના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના “જૂઠાણા”ની ટીકા કરી હતી. આ ચૂંટણીમાં રીપબ્લિકન અને ડેમોક્રેટિક ઉમેદવારો વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે, 5 નવેમ્બરે પરિણામ નક્કી કરનારા સાત મુખ્ય રાજ્યોમાં દરેક મતદારને પોતાની તરફેણમાં લાવવા માટે વધુ ખર્ચ અને તીવ્ર રસાકસી જોવા મળી રહી છે.
વાઇસ પ્રેસિડેન્ટ મતદારો સુધી પહોંચવા માટે આવનારા સપ્તાહમાં ટેલિવિઝન, રેડિયો અને પોડકાસ્ટનો સહારો લેશે.
કમલા હેરિસે રવિવારે પોડકાસ્ટ “કોલ હર ડેડી” પર ઉપસ્થિત રહીને મીડિયામાં પોતાની હાજરીની શરૂઆત કરી હતી, જે સ્પોટીફાઇ પરના સૌથી લોકપ્રિય કાર્યક્રમોમાં સ્થાન ધરાવે છે, તેમાં મહિલાઓ સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને તેમને સલાહ આપે છે.
પ્રજનન અને ગર્ભપાત સંબંધિત મુદ્દાઓને સ્પર્શતા હેરિસે ટ્રમ્પની એ વાત સામે વારંવાર વિશેષ અણગમો વ્યક્ત કર્યો હતો કે, તે મહિલા અધિકારોના “રક્ષક” છે. ડેમોક્રેટ્સ આ મુદ્દાને અનિર્ણિત મતદારોને આકર્ષવા માટે મુખ્ય માને છે. હેરિસે કહ્યું હતું કે, “આ એ જ વ્યક્તિ છે જેમણે કહ્યું હતું કે, મહિલાઓને ગર્ભપાત કરાવવા બદલ સજા થવી જોઈએ.”
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી વ્હાઇટ હાઉસમાં પ્રવેશવા માટે વિસ્કોન્સિનમાં સમર્થકોને મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. 2020ની ચૂંટણીમાં અહીં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ટ્રમ્પે આ રાજ્યની આઠ દિવસમાં ચોથીવાર મુલાકાત લીધી હતી.
હેરિસ તાજેતરમાં રીપબ્લિકન પાર્ટીના જન્મ સ્થાન રિપનમાં એક સભા યોજીને ઉદારવાદી અને અસંતુષ્ટ કન્ઝર્વેટિવ્ઝને મત આપવા માટે અપીલ કરી હતી.
તો આ દરમિયાન ટ્રમ્પે જુનેઉ ટાઉનની સભામાં લોકોને કહ્યું હતું કે, “ઘરની બહાર નીકળીને મત આપો.”
આ સભામાં ટ્રમ્પે ખોટા આરોપોનો ફરીથી ઉલ્લેખ કર્યો હતો કે, બાઇડેન-હેરિસ એડમિનિસ્ટ્રેશને હેલેન વાવાઝોડાથી વિનાશ પામેલા વિસ્તારો માટે રાહત ભંડોળનો માઇગ્રન્ટ પ્રોગ્રામ્સમાં ઉપયોગ કર્યો હતો. ટ્રમ્પ પર ગત જુલાઇમાં જે સ્થળે જીવલેણ ગોળીબાર થયો હતો ત્યાં તેમણે ફરીથી શનિવારે કેમ્પેઇન કર્યું હતું.
બુલેટપ્રૂફ કાચની સુરક્ષા સાથે કરવામાં આવેલા લાંબા અને અસ્પષ્ટ ભાષણમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમના રાજકીય વિરોધીઓએ તેમની હત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોઈ શકે છે.
આ સભામાં ઉપસ્થિત રહેલા પોતાના હજ્જારો સમર્થકોને ટ્રમ્પે જણાવ્યું હતું કે, “જે લોકો આપણને રોકવા ઇચ્છે છે, જેમણે મને બદનામ કર્યો છે, મારા પર મહાભિયોગ કર્યો હતો, મારા પર આરોપ મુક્યા હતા, મને હરાવવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કદાચ મને મારવાનો પ્રયાસ કર્યો હોઇ શકે.”
ટ્રમ્પ પર જેણે જીવલેણ હુમલો કર્યો હતો, તે બંદૂકધારીને ઠાર મારવામાં આવ્યો હતો. તે એક અધિકૃત રીપબ્લિકન હતો. આ ઘટનાની તપાસ કરનારને તેના હત્યા કરવાના ઇરાદા અને અન્ય કોઇ રાજકીય સંબંધ જાણવા મળ્યા નથી.
કમલા હેરિસે શનિવારે નોર્થ કેરોલિનામાં હતા. તેઓ હેલેન વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત કાર્યકરો અને નિવાસીઓને મળ્યા હતા, આ વાવાઝોડાથી 6 જેટલા રાજ્યોમાં વિનાશ વેરાયો હતો અને તેમાં 220થી વધુ લોકોનો મોત થયા હતા. હવે તેઓ આવનારા દિવસોમાં એબીસીના “ધ વ્યુ”, “ધ હોવર્ડ સ્ટર્ન શો” અને “ધી લેટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટ” શોમાં ઉપસ્થિત રહેશે, જે હેરિસની તરફેણમાં હોવાનું માનવામાં આવે છે.
હેરિસના કેમ્પેઇનના જણાવ્યા મુજબ, હવે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પણ ગુરુવારથી લઈને ચૂંટણી સુધી મહત્ત્વના રાજ્યોમાં હેરિસ માટે પ્રચાર કરશે.

LEAVE A REPLY