ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ (DHS)એ કડક વોર્નિંગ આપી છે કે 30 દિવસથી વધુ સમય અમેરિકામાં રહેતા તમામ વિદેશી નાગરિકોએ સરકારમાં નોંધણી કરાવવાની રહેશે. આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહેતા વ્યક્તિને જંગી પેનલ્ટી, જેલની સજા કે કાયદેસર ઇમિગ્રેશન પર કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
‘ગેરકાયદેસર વિદેશીઓને સંદેશ’ ટાઇટલ સાથેની કડક શબ્દોમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને આ આદેશ જારી કરાયો છે. આ પોસ્ટ પ્રેસિડન્ટ ટ્રમ્પ અને DHS સેક્રેટરી ક્રિસી નોએમને ટેગ પણ કરાઈ હતી. ગેરકાયદે રહેતા વિદેશીઓને દેશ છોડી દેવા અને સેલ્ફ ડિપોર્ટ થવાની વોર્નિંગ આપતા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગેરકાયદે રહેવાથી ભારે દંડ અને કેદ થઈ શકે છે.
આ આદેશ ગેરકાયદે રહેતા લોકો સામેની નવેસરથી કાર્યવાહીનો સંકેત આપે છે. ટુરિસ્ટ કે સ્ટુડન્ટ જેવા હંગામી વિઝા પર રહેતા લોકોએ પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તેઓ નિષ્ફળ રહેશે તો કાર્યવાહી થશે.
આ આદેશથી H-1 B અથવા વિદ્યાર્થી પરમિટ જેવા વિઝા પર રહેલા લોકોને સીધી અસર થશે નહીં, પરંતુ તે વિદેશી નાગરિકોને યોગ્ય પરવાનગી વગર અમેરિકામાં રહેવાથી રોકવા માટે કાયદાના કડક અમલીનો સંકેત આપે છે. જો H-1 B વિઝા પર રહેલા વ્યક્તિ નોકરી ગુમાવે છે, પરંતુ નિર્ધારિત સમયગાળામાં દેશમાં નીકળી જતાં નથી તો તેવા કિસ્સામાં તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓ અને H-1 B વિઝા ધારકોએ નિયમોનું પાલન કરવું પડશે.
પોસ્ટમાં જણાવાયું છે કે સ્વ-દેશનિકાલ સલામત છે. તમારી પ્રસ્થાન ફ્લાઇટ પસંદ કરીને તમારી પોતાની શરતો પર દેશ છોડી દો. જો તમે બિન-ગુનેગાર ગેરકાયદેસર વિદેશી તરીકે સ્વ-દેશનિકાલ કરો છો, તો યુએસમાં કમાયેલા પૈસા સાથે રાખી શકો છો. સેલ્ફ ડિપોર્ટેશનથી ભવિષ્યમાં કાયદેસર ઇમિગ્રેશનની તક ખુલ્લી રહેશે. આવી રીતે દેશનિકાલ થતાં લોકોને જો પોસાય તેમ ન હોય તો સબસિડી સાથે ફ્લાઇટની સુવિધા પણ મળી શકે છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટમાં જણાયું છે કે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ શોધી કાઢશે અને પછી તાત્કાલિક દેશનિકાલ કરશે. જો દેશમાંથી કાઢી મૂકવાનો આદેશ મળ્યા પછી પણ દેશમાં રહ્યાં તો દૈનિક 998 ડોલરનો દંડ થશે. જો સેલ્ફ ડિપોર્ટેશનની તૈયારી દર્શાવ્યા પછી પણ દેશમાં રહેશે તો 1,000થી 5,000 ડોલર સુધીનો દંડ થશે. જો તમે સ્વ-દેશનિકાલ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમને જેલની સજા થઈ શકે છે. સરકારમાં રજિસ્ટ્રેશન કરાવતા નથી તેવા વિદેશીઓ પર કાનૂની ઇમિગ્રેશન સિસ્ટમ મારફત અમેરિકામાં ફરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકાશે.
