અમેરિકામાં 2016ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ગેરકાયદે મતદાન કરવા બદલ ભારતના એક નાગરિક અને મલેશિયાના ભારતીય મૂળના એક વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ વ્યક્તિઓએ અમેરિકન નાગરિક હોવાનો દાવો કરીને મતદાન કર્યું હતું.
58 વર્ષના બૈજૂ પોટ્ટાકુલાથ થોમસ અને બીજા 11 વિદેશી નાગરિકો સામે 2016ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં ગેરકાયદે મતદાન કરવા બદલ ગયા મહિને નોર્થ કેરોલાઈનાના મિડલ ડિસ્ટ્રિક્ટ માટેની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપ મૂકાયા હતા.
યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન (ICE)એ જણાવ્યું હતું કે આરોપ પુરવાર થશે તો વધુમાં વધુ એક વર્ષની જેલની સજા તથા 100,000 ડોલરનો દંડ થઈ શકે છે.
અમેરિકાના કાયદા મુજબ નોન-સિટિઝન મતદાન માટે નોંધણી કરાવી શકતા નથી અથવા મતદાન કરી શકતા નથી. મલેશિયાથી આવતા ભારતીય મૂળના 57 વર્ષના રૂપ કૌર અતારસિંઘ સહિત સાત વિદેશી નાગરિકો સામે ગેરકાયદે મતદાનના આરોપ છે. ICEએ જણાવ્યું હતું કે ફેડરલ એજન્સીની ઘણા વર્ષોની તપાસને આધારે આ આરોપ મૂકવામાં આવ્યા છે.