અમેરિકામાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને છેલ્લા ત્રણ અઠવાડિયામાં એક હજારથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના વિઝા અથવા લીગલ સ્ટેટસને રદ્ કરવાનો નિર્ણય લીધો છે. તંત્રએ કોઈ કારણ આપ્યા વગર અચાનક આ નિર્ણય લીધો હોવાના દાવા સાથે અમેરિકાની વિવિધ કોર્ટમાં સેંકડો અરજીઓ દાખલ કરવામાં આવી છે. તંત્રના આ નિર્ણયથી સેંકડો તેજસ્વી વિદ્યાર્થીઓ પર અટકાયત અને દેશનિકાલનું જોખમ તોળાઈ રહ્યું છે. સરકારના આ નિર્ણયનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ જેવી જાણીતી યુનિવર્સિટીથી લઇને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ અને ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી જેવી સરકારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 160 કોલેજ-યુનિવર્સિટીના 1024 વિદ્યાર્થીના વિઝા અને લીગલ સ્ટેટસ અચાનક રદ કરાયા છે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાથી આ કાર્યવાહી અચાનક શરૂ થઈ હતી. સરકાર સામે કેસ કરનારા વિદ્યાર્થીઓનો દાવો છે કે, વિઝા અને લીગલ સ્ટેટસ રદ કરવાના નિર્ણય બાબતે સરકાર તરફથી કોઈ કારણ અપાયું નથી. વિઝા રદ્ કરવા માટે અનેક સંભવિત પરિબળો જવાબદાર હોઈ શકે છે, પરંતુ કેટલીક કોલેજોનો દાવો છે કે, ટ્રાફિક ભંગ જેવા જૂના સામાન્ય કેસ સરકારે શોધ્યા છે અને તેના આધારે વિદ્યાર્થીઓના વિઝા આડેધડ રદ થઈ રહ્યા છે. સરકારી તંત્ર ઈરાદાપૂર્વક કેટલાક દેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યું હોવાનો દાવો પણ થઈ હ્યો છે.
