અમદાવાદમાં વર્ષો જૂના જમાલપુર APMC શાકમાર્કેટને આશરે છ મહિના પછી ફરી ચાલુ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપતા આ માર્કેટને મંગળવારે બપોરે એક વાગે શરૂ કરવામાં આવ્યું હતું.
તાજેતરની પરિસ્થિતિ અને એપીએમસીની લેખિત રજૂઆતને ધ્યાને લઈ મ્યુનિસિપાલિટીએ તેને ફરી ખોલવાની મંજૂરી આપી હતી. માત્ર 53 વેપારીઓ સાથે એપીએમસીને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે શરૂ કરાયું છે. મજૂરો અને રોજમદારો છ મહિના બાદ પોતાની ભીની આંખો સાથે કામ પર જોડાયા હતા.
કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશને માર્કેટ બંધ કરી જેતલપુર ખસેડ્યું હતું. જેતલપુર દૂર પડતું હોવાથી અને રિક્ષામાં અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી નાના વેપારીઓ ત્યાં ખરીદી કરવા જઇ શકતા ન હતા. પરિણામે નાના વેપારીઓ પરેશાન થઇ ગયા હતા.
પરંતુ એપીએમસીના કુલ 157 વેપારીમાંથી પ્રથમ દિવસે 53, બીજા દિવસે 53 અને ત્રીજા દિવસે 51 વેપારીઓને વેપાર કરવાની પરવાનગી મ્યુનિ. દ્વારા આપવામાં આવી હતી. યાર્ડમાં શાકભાજીના ખરીદ – વેચાણની કામગીરી બપોરે 1થી 5 અને રાત્રિના 8થી સવારના 8 દરમિયાન ચાલુ રહેશે.