(Photo by Victor Fraile/Getty Images)

ઐશ્વર્યા રાય અને તેના પતિ અભિષેક બચ્ચનના સંબંધો તેમજ તેમના છૂટાછેડા અંગે અનેક અટકળો ફેલાઇ રહી છે. જોકે, આ અંગે ઐશ્વર્યા કે અભિષેકે ક્યારેય કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સંજોગોમાં તાજેતરમાં અભિષેક બચ્ચને ફિલ્મફેર ઓટીટી 2024 એવોર્ડ્ઝ સમારોહનું સંચાલન કર્યું હતું. આ દરમિયાન તેણે લગ્ન સંબંધ વિશે સલાહ આપતા કહ્યું હતું, ‘દરેક પુરુષે પત્ની કહે એમ જ કરવું જોઈએ.’ આ સમારોહના અન્ય બે સંચાલક મિયાંગ ચેંગ અને શારીબ હાશ્મીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં અભિષેકે આ જવાબ આપ્યો હતો.

અભિષેકને તેના યાદગાર અભિનય અંગે પૂછવામાં આવ્યું હતું, જેમાંથી વિવેચકો પણ કોઈ ભૂલ કાઢી શકતા નથી. જેના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે, તે બધું જ તેના દિગ્દર્શક પર છોડી દે છે. ત્યારે સંચાલકે કહ્યું કે, તેની પત્ની પણ એવું માને છે કે – એ દિગ્દર્શકનો અભિનેતા છે. ત્યારે અભિષેકે કહ્યું કે દરેક પરિણીત પુરુષે પોતાની પત્ની કહે એમ જ કરવું જોઈએ. તેની આ વાતને ખૂબ જ તાળીઓના ગડગડાટથી આવકારવામાં આવી હતી.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યા પ્રત્યે તેણે આભાર પણ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ આરાધ્યાના 13મા જન્મદિવસે અભિષેકની ગેરહાજરી અને તેની તસવીરો ઐશ્વર્યાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર ન કરી હોવાથી તેઓ અલગ રહેતા હોવાની ચર્ચાઓને પણ જવાબ મળી ગયો છે. આ બર્થ ડે પાર્ટીનું આયોજન કરનાર એજન્સી દ્વારા બે નવા વીડિયો શેર કરવામાં આવ્યા છે. જેમાં અભિષેકની હાજરી જોવા મળી હતી. તેના પર ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે બંનેએ વીડિયોમાં એવું પણ કહ્યું હતું કે એ જ લોકો 13 વર્ષથી આરાધ્યાના બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન કરતા રહ્યા છે. આમ આ વીડિયો દ્વારા આ સાબિત થયું છે કે, ઐશ્વર્યા અને અભિષેક આ સેલિબ્રેશનમાં સાથે હતા.

LEAVE A REPLY