ભારતીય મૂળના અનિતા આનંદ શનિવારે કેનેડિયન વડા પ્રધાનની રેસમાંથી નીકળી ગયા હતાં. તેમણે ફરીથી ચૂંટણી ન લડવાની પણ જાહેરાત કરી હતી.
આ નિર્ણયની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે હું જાહેરાત કરું છું કે હું કેનેડાની લિબરલ પાર્ટીનો આગામી નેતા બનવાની રેસમાં પ્રવેશ કરશે નહીં અને ઓકવિલે માટે સંસદ સભ્ય તરીકે પુનઃચૂંટણી પણ લડશે નહીં. હું આગામી ચૂંટણી સુધી પબ્લિક ઓફિસ હોલ્ડર તરીકે મારી ભૂમિકાઓને સન્માનપૂર્વક નિભાવવાનું ચાલુ રાખીશ.
અનિતા આનંદે કહ્યું હતું કે તેમણે શિક્ષણ, સંશોધન અને જાહેર નીતિ વિશ્લેષણના તેમના અગાઉના પ્રોફેશનલ જીવનમાં પરત ફરવા માગે છે. તેમણે ટ્રુડો, ઓકવિલેના લોકો, સાથી કોકસ સભ્યો અને કેનેડિયનોનો આભાર માન્યો હતો.
કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડોએ એક દાયકાના શાસન પછી રાજીનામું આપ્યા પછી તેમના અનુગામી માટેની રેસ ચાલુ થઈ છે ત્યારે આ રેસમાં અનિતા આનંદને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.
બીબીસીએ ભારતીય મૂળના નેતા અનિતા આનંદને ટોચના 5 દાવેદારોમાં સ્થાન આપ્યું હતું, અનિતા આનંદ હાલમાં પરિવહન અને આંતરિક વેપાર પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પણ છે. 2019માં ટોરોન્ટોના ઉપનગર ઓકવિલેથી ચૂંટણી લડીને તેઓ રાજકારણમાં આવ્યા હતાં. રાજકારણમાં પ્રવેશતા પહેલા યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં કાયદાના પ્રોફેસર હતાં.
આનંદનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. તેના માતા-પિતા (માતા સરોજ ડી. રામ) અને (પિતા એસ.વી. (એન્ડી) આનંદ) બંને ભારતીય ફિશિયન હતાં. તેમને ગીતા અને સોનિયા આનંદ એમ બે બહેનો છે.